ઈમામત, ફિતરત અને અખ્લાકી મૂલ્યો

વાંચવાનો સમય: 6 મિનિટ

ખુદાવંદે આલમની નજીક ફકત દીને ઈસ્લામ જ કબુલ થવા પાત્ર દીન છે. તેની સિવાય બીજો કોઈ મઝહબ કબુલ નહીં થાય. આ પસંદનીય દીનના વિશે રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે દીને ઈસ્લામ દીને ફિતરત છે. દરેક ઈન્સાન ફિતરતે ઈસ્લામ ઉપર પૈદા થાય છે પરંતુ જન્મ બાદ જે વાતાવરણ તેને મળે છે તે પ્રમાણે તે ઢળી જાય છે અને તેની ફિતરત ઉપર માહોલની અસરોથી તેનું વ્યકિતત્વ ઉભરવા લાગે છે. અગર આ અસરો ઈન્સાનીય્યતના નકારાત્મક પાસાથી આવ્યા છે તો તે ધૂળની જેમ તેની ઉપર બેસી જાય છે અને તે તેની ફિતરતને છુપાવી દે છે, પરંતુ તેને ખતમ નથી કરી શકતા અને ફિતરતને જ્યારે મૌકો મળે છે ત્યારે તે પોતાને જાહીર કરે છે. એટલા જ માટે આપણે જોયું કે હઝરત મુસા (અ.સ.)ની યાદદેહાનીઓ અને આગાહીઓથી જાગૃત થઈને તે જાદુગરો કે જે ફિરઔનને પોતાનો ખુદા માનતા હતા અને તેના બચાવમાં જેઓ હઝરત મુસા (અ.સ.)ની સામે મુકાબલામાં આવ્યા હતા તરત જ ફિતરતના તકાઝાને પૂર્ણ કરતા હઝરત મુસા (અ.સ.)ના રબની સામે સજદામાં પડી ગયા.

આ ફિતરી મઅરેફતના લીધે દરેક માણસ પોતાના ખુદાને ઓળખે છે જેની ઓળખાણ તેને તેના જન્મની પહેલા જ આલમે ઝરમાં આપી દેવામાં આવી છે. ખુદાએ મહેરબાન તે જાણતો હતો કે ઈન્સાન દુનિયાના ઝગમગાટમાં તેને ભુલી જશે અને પછી હંમેશાના અઝાબનો હક્કદાર બની જશે. એટલા જ માટે પોતાની અગણીત રહેમતો હેઠળ તેણે અંબિયા અને અઈમ્માહ (અ.મુ.સ.)ને મોકલ્યા કે જેથી તેઓ ઈન્સાનનું તે મહાન નેઅમત તરફ ધ્યાન દોરે અને તેઓને ચિંતન-મનન કરવાની દઅવત આપતા રહે.

આપણે એ પણ જોઈએ છીએ કે દરેક માણસ ફિતરી તૌર ઉપર એક હાદી (રેહનુમા)ની જરૂરતનો એહસાસ કરતો રહે છે. દરેક ઈન્સાન પોતાના અસ્તિત્વમાં એક હાદીને શોધતો રહે છે. આ ફિતરી જરૂરતનો અમૂક લોકો ગેર ફાયદો પણ ઉઠાવે છે. આ દુનિયામાં આપણે જોઈએ છીએ કે જે લોકો સત્તાની તમન્ના ધરાવતા હોય છે તે પોતાને લોકોના રેહબર તરીકે રજુ કરે છે. સામાન્ય લોકો આવા લોકોની જાળમાં ફસાય જાય છે. આથી આપણે ઈતિહાસમાં જોઈએ છીએ કે ઘણા લોકોએ મહદવીય્યતનો જુઠ્ઠો દાવો કર્યો અને સામાન્ય લોકોને છેતરીને તેઓની આખેરતને તબાહ અને બરબાદ કરી નાખી. કારણ કે આ બાબત ફિતરત સંબંધિત છે એટલા માટે ન ફકત મુસલમાનોમાં બલ્કે દરેક કૌમમાં આવા બની બેઠેલા રેહબરો જોવા મળે છે, જે સત્તાની મોહબ્બતમાં પોતાને લોકોના રેહનુમા ગણાવે છે અને લોકો પણ ગાફીલ થઈને કે જેઓની ફિતરતની હકીકત ઉપર દુનિયા પ્રાપ્તિની લાલચની ધૂળ જામી ગઈ હોય છે તેઓ ફિતરતથી ગાફીલ થઈને તેઓને માનવા પણ લાગે છે.

પરંતુ જ્યારે વાત ફિતરતની છે તો ખુદાએ મહેરબાન કે જેણે ઈન્સાનની દરેક ફિતરી જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું છે તો તે કેવી રીતે શકય છે કે તે એક હકીકી માર્ગદર્શકની જરૂરતને પુરી ન કરે અને તેની ફિતરત ઉપર જામેલી ધૂળને દૂર કરવાના માધ્યમોની વ્યવસ્થા ન કરે. એટલા જ માટે તેણે આલમે ઝરમાં પોતાની અને પોતાના નબી (સ.અ.વ.)ની મઅરફેતની સાથે સાથે ઈમામો (અ.મુ.સ.)ની મઅરેફત પણ કરાવી દીધી. પરંતુ અફસોસ કે જેવી રીતે ઈન્સાન એક ખુદાને ભુલાવીને બીજા ખુદાઓની ઈબાદત કરવા લાગ્યો તેવી જ રીતે અલ્લાહે નિયુકત કરેલા ઈમામોને છોડીને જુઠ્ઠા ઈમામો માટે પોતાની જાન અને માલ કુરબાન કરવા માટે તૈયાર થઈ ગયો.

અહીં રોકાઈને વાંચકોની ખિદમતમાં અરજ છે કે ખુદાએ સુરએ મુલ્કમાં એ સ્પષ્ટ કરી દીધું છે કે આ દુનિયા ઈમ્તેહાનની જગ્યા છે અને ઈન્સાનને તેના કાર્યોના ત્રાજવામાં તોલવામાં આવશે. તેનાથી તે સ્પષ્ટ જાહેર થાય છે કે બુરાઈનું જોર પણ ભલાઈની સામે વધતુ રહેશે. બુરાઈના બે રસ્તાઓ છે જે ઈન્સાની ફિતરતને પાછળ ધકેલે છે, એક ગસ્બ અને બીજું સત્તાની લાલસા.

કોઈના હકને ગસ્બ કરવાના બે મુખ્ય પાસાઓ હોય છે. પ્રથમ ગસ્બ કરનારનું પાસુ છે કે જેનું પ્રતિનિધિત્વ સત્તાપરસ્ત લોકો કરે છે અને બીજું પાસુ અમાનતમાં ખયાનત કરવી છે કે જેનું પ્રતિનિધિત્વ દરેક તે માણસ કરે છે જે જુઠ્ઠા રેહબરને માનીને તેનું અનુસરણ કરે છે. તથા જે ઈલાહી ઉલીમ અમ્રનો અનુસરણનો હક્ક છે તે બીજાઓને આપી દે છે. જેવી રીતે ઈમામતને ગસ્બ કરનારાઓ ગુનેહગાર છે તેવી જ રીતે જે લોકો તેઓને ટેકો આપીને તેમની પાછળ પાછળ ચાલે છે તેઓ પણ સમાન રીતે ગુનેહગાર છે. બીજો રસ્તો સત્તાપરસ્તી છે. આવા રેહબરોનો મુખ્ય હેતુ સત્તાપરસ્તી સિવાય બીજો હોતો નથી. તેથી જ અલ્લામા ઈકબાલ આ વિષયની છણાવટ કરતા ફરમાવે છે:

યે માલ વ દૌલત યે રિશ્તા વ પૈવન્દ

બુસ્તાને વહેમો ગુમાન લા એલાહ ઈલ્લલ્લાહ

અલ્લાહ ખુબજ મહેરબાન છે. તેણે અંબિયા (અ.મુ.સ.)ને મોકલીને જુઠ્ઠા મઅબુદોની ઈબાદત કરનારાઓ ઉપર પોતાની હુજ્જત તમામ કરી દીધી અને તે અંબિયા (અ.મુ.સ.)એ લોકોને અલ્લાહ તરફ દઅવત આપી જેથી આ ગાફીલ ઈન્સાન કે જેની ફિતરત ઉપર માલ, દૌલત, સંબંધો, વહેમો અને ગુમાનની ધુળ જામી ગઈ હોવાના લીધે જુઠ્ઠા ખુદાઓની ઈબાદત કરવા લાગ્યો હતો. તે ઈન્સાન અંબિયા (અ.મુ.સ.)ની યાદદેહાની થકી ફિતરત ઉપર જામેલી ધુળને સાફ કરી નાખે અને હક્ક તઆલાની તરફ કે જેનુ નૂર તેની ફિતરતના ઉંડાણમાં મૌજુદ છે તેની તરફ ધ્યાન કેન્દ્રીત કરે.

અલ્લાહે પોતાની જે રહમત વડે ઈન્સાનનું અંબિયા (અ.મુ.સ.) થકી ફિતરી ઈબાદત અને હકીકી ખુદાની તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, તેવી જ રીતે પોતાની અગણીત રહમતો થકી તેણે પોતાના આખરી નબી (સ.અ.વ.) વડે આ ગાફીલ ઈન્સાનને ફિતરી ઈતાઅત કે જે હકીકી ઈમામનો હક છે તેની તરફ પણ ધ્યાન દોર્યું છે. આથી રસુલે ખુદા (સ.અ.વ.) એ ગદીરના મૈદાનમાં અલ્લાહના હુકમથી બધા લોકો ઉપર હુજ્જત તમામ કરી દીધી અને તે શખ્સની ઓળખાણ કરાવી આપી કે જે ઈન્સાનના માર્ગદર્શકની જરૂરિયાતને એવી રીતે પૂર્ણ કરશે જેવી રીતે પાક અને પવિત્ર પાણી તરસ્યાની જરૂરતને પૂર્ણ કરે છે.

જેવી રીતે અંબિયા (અ.મુ.સ.)ની યાદદેહાની મળી જવા પછી પણ અગર ઈન્સાન જુઠ્ઠા ખુદાઓની ઈબાદતને ન છોડે તો તે હંમેશા અઝાબનો હક્કદાર બની જાય છે, તેવી જ રીતે ગદીરના એઅલાન પછી પણ કોઈ હઝરત અલી (અ.સ.)ને અમીરૂલ મોઅમેનીન ન સ્વિકારે તો તે હંમેશા જહન્નમમાં રહેશે.

ઈમામ અલી (અ.સ.)ને અમીરૂલ મોઅમેનીન માનવું ફકત ઝબાનથી જ ન હોવું જોઈએ કારણ કે વિલાયત ઈન્સાનના સંપૂર્ણ અસ્તિત્વ અને વર્તણુંકથી સંબંધિત છે. આ વાતને રસુલે ખુદા (સ.અ.વ.) એ ગદીરના દિવસે સ્પષ્ટ કરી દીધી હતી, જ્યારે આપ (સ.અ.વ.) એ વિલાયતના એઅલાન પહેલા લોકોને સવાલ કર્યો કે શું હું તમારા ઉપર તમારા કરતા વધારે હક્ક નથી ધરાવતો? અને જ્યારે આ વાતની કબુલાત લોકો પાસેથી લઈ લીધી તો પછી ફરમાવ્યું:

مَنْ کُنْتُ مَوْلاَہُ فَعَلِیٌّ مَوْلَاہُ

આથી ઈમામ અલી (અ.સ.)ને આપણા ઉપર આપણા કરતા વધારે અધિકાર પ્રાપ્ત છે. આ જ અધિકાર હેઠળ આપણે આપણા ચારિત્ર્યને એવું બનાવવું જોઈએ કે જેવું તેઓ ચાહે નહિં કે જે આપણે અને આપણો સમાજ ચાહે છે. એટલા જ માટે જંગે સીફફીનમાં જનાબે અબ્બાસ ઈબ્ને રબીઆ જેને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) એ એક ખાસ જગ્યા ઉપર નિયુકત કર્યા હતા; પરંતુ તેઓ દુશ્મનની લલકારના જવાબમાં મૈદાને જંગમાં ઉતરી આવ્યા અને તે દુશ્મનનું કામ તમામ કરી નાખ્યુ, તો પ્રથમ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ તેઓને ઠપકો આપ્યો કે દુશ્મનથી લડવું એટલું જરૂરી ન હતું જેટલું જરૂરી ઈમામના હુકમનું અનુસરણ કરવું હતું અને આ કેળવણીભર્યા ઠપકા પછી મહેરબાન પિતાની જેમ તેઓને માફ પણ કરી દીધા.

અલ્લાહ તરફથી નિયુકત થયેલા જે હાદી હોય છે, તે સર્વશ્રેષ્ઠ અખ્લાકના માલિક હોય છે અને અલ્લાહ તઆલા દ્વારા અર્પણ થયેલી દિર્ઘદ્રષ્ટિ વડે ઈન્સાનોને એવા કાર્યો તરફ દઅવત આપે છે જે તેઓને હંમેશા માટે નેકબખ્ત બનાવી દે. જેવી રીતે હઝરત ઈસા (અ.સ.) એ પોતાના સહાબીઓને કહ્યું કે રસ્તા ઉપર પડેલી કોઈ ચીઝને ઉઠાવતા નહીં. પરંતુ જ્યારે રસ્તા ઉપર ત્રણ સોનાની ઈંટ પડેલી જોઈ તો દુનિયાની મોહબ્બત તેઓમાંથી ત્રણ શખ્સો ઉપર ગાલીબ આવી ગઈ અને તેઓ તે ઈંટ લેવા માટે રોકાઈ ગયા. પરંતુ પછી જ્યારે દુનિયાની મોહેબ્બતે એવી માંગણી કરી કે તે ત્રણેય ઈંટોના પોતે એકલા માલિક થઈ જાય તો તેઓએ એકબીજાનું કત્લ કરી નાખ્યુ અને બધા એક સાથે જહન્નમ વાસીલ થઈ ગયા.

અલ્લાહ દ્વારા નિયુકત હાદીનું અનુસરણ ઈન્સાનને ફાયદો પહોંચાડે છે તે શર્તની સાથે કે જ્યારે આપણે તેમને પોતાના હકીકી મૌલા સમજીએ અને પોતાને તેમના હકીર ગુલામ સમજીએ. બરહક હાદીની ઓળખાણ પછી આપણી ફિતરત તેમની ઈતાઅત માટે આપણને તૈયાર કરે છે. પછી જ્યારે આપણે તેમને નમુન એ અમલ બનાવીને તેમનું ઈતાઅત કરવા લાગીએ છીએ ત્યારે જીંદગીના હેતુ તરફ સફર કરીએ છીએ. તે મકસદને પૂરો કરીએ છીએ જેના માટે નબીએ કરીમ (સ.અ.વ.)ની બેઅસત થઈ હતી. આપ (સ.અ.વ.)નો એક ઈરશાદ છે જે આપની બેઅસતના મહત્વના હેતુને બયાન કરે છે.

بُعِثْتُ لِاُتَمِّمَ مَکَارِمَ الْاَخْلَاقِ

મને એટલા માટે મોકલવામાં આવ્યો છે કે જેથી હું મકારમુલ અખ્લાકને તેની સંપૂર્ણતા સુધી પહોંચાડું.

કુરઆને પણ સુરએ શોઅરામાં હઝરત હુદ (અ.સ.)ની વાતને આ રીતે વર્ણવી છે:

اِنِّیْ لَکُمْ رَسُوْلٌ اَمِیْنٌ فَاتَّقُوْا اللہَ وَ اَطِیْعُوْنِ

બેશક હું તમારા માટે અમાનતદાર રસુલ છું, પછી તમે અલ્લાહથી ડરો અને મારી ઈતાઅત કરો.”

ઈન્સાન જેટલો અખ્લાકની મંઝીલોને તય કરતો જશે તેને મુશ્કેલી ભર્યા તબક્કાઓમાં પણ ઈમામની ઈતાઅત સહેલી નજર આવશે. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હઝરત અબુલ ફઝલીલ અબ્બાસ (અ.સ.) છે કે જેઓ પોતાની બહાદુરી માટે મશ્હુર હતા. તેમની તમન્ના અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ તેમની વિલાદત પહેલાજ કરી હતી. બાળપણથી લઈને કરબલા સુધી તેમને સતત યાદ અપાવવામાં આવ્યું હતું કે તેમણે કરબલામાં પોતાની બહાદુરી કામ લાગશે. પરંતુ તેઓ પોતાની આ બહાદુરીને જાહેર કરવા માટે વકતના ઈમામની પરવાનગીના મોહતાજ હતા. ઈમામ અલી (અ.સ.)ના ફરઝંદે ઈમામ અલી (અ.સ.)નું ચારિત્ર્ય બતાવ્યું અને જેવી રીતે અલી (અ.સ.)એ રસુલ (સ.અ.વ.)ની શહાદત પછી તેમના હુકમનું અનુસરણ કરી સબ્ર કરી, એવી જ રીતે હઝરત અબ્બાસ (અ.સ.) એ પણ કરબલામાં સબ્ર કરી.

હાએ વો જોશે શુજાઅત પે તસર્રુફ શેહ કા

ઉફ વોહ દરિયા કે જીસે ઈઝને રવાની ન મીલા

બહરહાલ ગદીર ઈન્સાનના ફિતરી માર્ગદર્શકની જરૂરતને પુરી પાડે છે અને ઈન્સાનને ઈમામની ઈતાઅત કરવાની શકિત અતા કરે છે અને આ મહાન અમાનતમાં ખયાનત કરવાથી રોકે છે.

અલ્લાહની રહમત વિશાળ છે અને તે મોટો માફ કરનારો છે. પરંતુ હિસાબના દિવસે અગર કોઈ ઈન્સાનની ગરદન ઉપર લોકોના હક્ક બાકી હશે તો તે ગુનાહને અલ્લાહ માફ નહીં કરે કારણ કે તે ગુનાહ ઈન્સાનોથી સંબંધિત છે. તો જ્યારે અલ્લાહ સામાન્ય માણસના છીનવાએલા હક્કને માફ નહીં કરે તો અગર કોઈ શખ્સ અલ્લાહે નિયુકત કરેલી હુજ્જતના હક્કને છીનવી લે અને તેના હક્કને પાયમાલ કરે તો તે કેવી રીતે શકય છે કે અલ્લાહ તેને માફ કરી દે.

ગદીર આપણને તે સર્વશ્રેષ્ઠ હસ્તીની ઓળખાણ આપીને આપણા ઉપર તે અહેસાન કરે છે કે આપણે ઈતાઅતના હક્કને યોગ્ય જગ્યા આપીને પોતાની ઝાતને અખ્લાકના ઉચ્ચ દરજ્જે પહોંચાડીએ અને પોતાને હંમેશાની રૂસ્વાઈથી બચાવીએ.

અંતમાં જે બનાવ અવાજ આપી રહ્યો છે તે એ છે કે શું આપણે અમીરૂલ મોઅમેનીન ઈમામ અલી (અ.સ.)નો હક અદા કરવામાં સફળ થઈ રહ્યા છીએ કે જેમનું નામ ‘અવ્લાબિત તસર્રુફ’(તેમને પોતાના નફસ કરતા વધારે અધિકાર આપવો) છે અને અગર આપણે વચ્ચમાં છીએ તો હવે જાગૃત થઈ જવું જોઈએ. કંઈક એવું તો નથી ને કે અલ્લામા ઈકબાલના કહેણ મુજબ:

સજદા ખાલીક કા ઔર ઈબ્લીસ સે યારાના ભી

હશ્ર મેં કીસ સે ઈબાદત કા સીલા માંગેગા

اَلْحَمْدُ لِلہِ  الَّذِیْ جَعَلَنَا  مِنَ الْمُتَمَسِّکِیْنَ بِوَلَایَۃِ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ وَ الْاَئَمَّۃِ  عَلَیْہِمُ السَّلَامُ

ગો ટૂ ટોચ