હુર્રા અને હજ્જાજનો વાદ-વિવાદ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ

અબ્દુલ મલીક બીન મરવાન કે જે બની ઉમય્યાનો પાંચમો ખલીફો હતો તેનો પ્રતિનિધી અને ઈરાકનો ગર્વનર હજ્જાજ બીન યુસુફ એક ઝાલીમ અને નિર્દય શખ્સ હતો. જેના હાથો તાબેઈને કેરામ અને અમીલ મોઅમેનીન (અ.સ.)ના સહાબીઓ જેમકે કુમૈલ ઈબ્ને ઝિયાદ, કમ્બર અને સઈદ બીન ઝુબૈર વિગેરેના ખુનથી રંગાયેલા હતા. આ ઉપરાંત તેણે રસુલ (સ.અ.વ.)ના ખાનદાનના હજારો લોકોને કૈદ કરીને કત્લ કરાવી નાખ્યા. બન્ને (શીઆ અને સુન્ની) સમૂહના આલીમોએ હજ્જાજ બીન યુસુફનું હઝરત અમીલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પ્રત્યેનું મુનાફીકપણુ અને પૂવર્ગ્રિહવાળી દુશ્મનીનો ઉલ્લેખ કર્યો છે.

એક વખત એક મોઅમેના કે જેનું નામ “હુર્રા” (ર.અ.) કે જે હલીમાહ સાઅદીય્યાહના દિકરી હતા. જેણી ખુબજ બહાદુર અને અમીલ મોઅમેનીન અલી (અ.સ.)ના મુખ્લીસ મદદગાર અને ચાહવાવાળા હતા તેમને હજ્જાજના દરબારમાં લાવવામાં આવ્યા. તે બન્નેની દરમ્યાન નીચે મુજબનો એક ઐતિહાસીક વાદ-વિવાદ થયો.

હજ્જાજ: શું તમે હલીમાહ સાઅદીય્યાહની દિકરી છો?

હુર્રા ગૈરે મોઅમીન (બેદીન વ્યકિત) પાસેથી સમજદારીની અપેક્ષા નથી હોતી.

હજ્જાજ: ખુદા આજે તને મારા ઈખ્તિયારમાં લાવ્યો છે. મેં સાંભળ્યું છે કે તું અલી બીન અબી તાલિબ (અ.સ.)ને અબુબક્ર, ઉમર અને ઉસ્માનથી શ્રેષ્ઠ અને ઉચ્ચ સમજો છો?

હુર્રા લોકોએ તને ખોટી માહિતી આપી છે (કારણકે મેં આ ત્રણેયની સરખામણી કયારેય હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે કરી જ નથી). હકીકત તો એ છે કે હું હઝરત  અલી  બીન  અબી તાલિબ (અ.સ.)ને અંબિયા (અ.મુ.સ.)થી શ્રેષ્ઠ સમજું છું. જેમકે હઝરત આદમ (અ.સ.), હઝરત નૂહ (અ.સ.), હઝરત લુત (અ.સ.), હઝરત ઈબ્રાહીમ (અ.સ.), હઝરત મુસા (અ.સ.), હઝરત દાઉદ (અ.સ.), હઝરત સુલૈમાન (અ.સ.) અને હઝરત ઈસા (અ.સ.).

હજ્જાજ: લઅનત થાય તારા ઉપર. તું અલી (અ.સ.)ને બધાજ સહાબીઓ અને આઠ બુર્ઝુગ અંબિયા (અ.મુ.સ.) કે (જેમાં ઉલુલ અઝમ પયગમ્બર પણ શામેલ છે)થી વધારે શ્રેષ્ઠ અને બેમિસાલ માને છે. અગર તે તારા દાવાને સ્પષ્ટ દલીલો વડે સાબિત ન કર્યો તો હું તને કત્લ કરી નાખીશ.

હુર્રા ફકત હું જ નથી માનતી કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) આ પયગમ્બરો કરતા શ્રેષ્ઠ છે બલ્કે અલ્લાહ તઆલાએ અલી (અ.સ.)ની આ અંબિયા (અ.મુ.સ.) ઉપર શ્રેષ્ઠતાનું એઅલાન કુરઆને કરીમમાં કરેલું છે. હઝરત આદમ (અ.સ.)ના વિષે કુરઆને કરીમમાં ઈશારો કરવામાં આવ્યો છે કે:

وَعَصَىٰ آدَمُ رَبَّهُ

“અને આદમે પોતાના પરવરદિગારની નસીહત ઉપર અમલ ન કર્યો.

(સુરએ તાહા-20, આયત નં. 121)

(કુરઆનની આયતોનો તરજુમો અલ્લામા ઝિશાન હૈદર જવાદી સાહેબના તરજુમામાંથી લીધેલ છે.)

ઈમામ અલી (અ.સ.) (તેમની પત્નિ અને બાળકો)ના વિષે પરવરદિગારનું ઈરશાદ છે:

وَكَانَ سَعْيُكُم مَّشْكُوْرًا

“અને તમારી કોશીશો કબુલ કરવાને લાયક છે.’        (સુ. ઈન્સાન-76, આ. નં. 22)

હજ્જાજ: ખુબ સરસ! હવે એ બતાવ કે કેવી રીતે અલી (અ.સ.)ને હઝરત નૂહ (અ.સ.) અને હઝરત લુત (અ.સ.) ઉપર શ્રેષ્ઠતા હાસિલ છે?

હુર્રા આ બે પયગમ્બરો માટે અલ્લાહ તઆલાનો ઈરશાદ છે કે:

ضَرَبَ اللهُ مَثَلًا لِّلَّذِينَ كَفَرُوْا اِمْرَأَتَ نُوحٍ وَامْرَأَتَ لُوطٍ ۖ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتَاهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللهِ شَيْئًا وَقِيْلَ ادْخُلَا النَّارَ مَعَ الدَّاخِلِيْنَ

“અલ્લાહ તે લોકો માટે કે જેઓએ કુફ્ર ઈખ્તેયાર કર્યું છે તેના માટે હઝરત નૂહ (અ.સ.)ની પત્નિ તથા હઝરત લૂત (અ.સ.)ની પત્નિનો દાખલો વર્ણવે છે; કે આ બન્ને (સ્ત્રીઓ) અમારા નેક બંદાઓના નિકાહમાં હતી. પરંતુ તે બન્નેએ તેમની સાથે ખયાનત કરી, જેથી તે બન્નેને નબીની પત્નિ હોવા એ અલ્લાહની બારગાહમાં કંઈ ફાયદો ન પહોંચાડયો અને તે બન્ને (સ્ત્રીઓ)ને કહેવામાં આવ્યું કે તમે પણ તમામ જહન્નમમાં દાખલ થનારાઓની સાથે જહન્નમમાં દાખલ થઈ જાઓ.

(સુરએ તેહરીમ-66, આયત નં. 10)

જ્યારે કે અલી (અ.સ.)ની પત્નિના વિષે કહેવામાં આવ્યું છે કે હઝરત ફાતેમા (સ.અ.)ની ખુશ્નુદી અલ્લાહની ખુશ્નુદી છે અને હઝરત ફાતેમા (સ.અ.)નું ગઝબનાક થવું અલ્લાહનું ગઝબનાક થવું છે.

હજ્જાજ: ખુબ સરસ હુર્રા હવે હું એ જાણવા માંગુ છું કે કઈ રીતે હઝરત અલી (અ.સ.) આપણા છેલ્લા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના દાદા હઝરત ઈબ્રાહીમ (અ.સ.)થી શ્રેષ્ઠ છે?

હુર્રા અલ્લાહે હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ની વાતચીતને કુરઆનમાં આ રીતે નકલ કરી છે કે:

وَإِذْ قَالَ إِبْرَاهِيْمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتٰىٰ ۖ قَالَ أَوَلَمْ تُؤْمِنْ ۖ قَالَ بَلٰى وَلٰكِن لِّيَطْمَئِنَّ قَلْبِيْ

“અને (અય રસુલ! તે સમયને યાદ કરો) જ્યારે ઈબ્રાહીમ (અ.સ.) એ અરજ કરી કે અય મારા પરવરદિગાર! મને એ બતાવી દે કે તું મુદર્ઓિને કેવી રીતે ફરી સજીવન કરે છે. કહેવામાં આવ્યું, શું તમાં ઈમાન નથી? કહ્યું હા, ઈમાન તો છે પરંતુ મારા દિલનું ઈત્મેનાન ચાહું છું.

(સુરએ બકરહ-2, આયત નં. 260)

પરંતુ હઝરત અલી (અ.સ.)નું ઈમાન અને ભરોસો અલ્લાહ તઆલાના બારામાં ખુબજ ઉચ્ચ દરજ્જા ઉપર હતો. જેમકે ખુદ હઝરત અલી (અ.સ.) ફરમાવે છે:

‘અગર પદર્ઓિને હટાવી પણ દેવામાં આવે તો એ (અલ્લાહના વિષે) મારા ઈમાનમાં કોઈ ફર્ક નહીં આવે.’1

(એટલેકે ઈન્સાન તેના ઈમાનના દરજ્જા મુજબ વખાણને લાયક બને છે અને હઝરત અલી (અ.સ.)નું ઈમાન સંપૂર્ણ હતું. તેથી તેમને દિલના સુકુનની જરત ન હતી, જેવી રીતે હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ને હતી).

હજ્જાજ: ખુબ સરસ હુર્રા શું તું એ સ્પષ્ટ કરી શકે છે કે કેવી રીતે હઝરત અલી (અ.સ.) હઝરત મુસા (અ.સ.) (કે જેને કલીમુલ્લાહ કહેવાય છે)થી શ્રેષ્ઠ છે?

હુર્રા હઝરત મુસા (અ.સ.)ના બારામાં કુરઆન ફરમાવે છે:

فَخَرَجَ مِنْهَا خَائِفًا يَتَرَقَّبُ

“તો હઝરત મુસા (અ.સ.) ડરની હાલતમાં શહેરની બહાર નીકળ્યા.

(સુરએ કસસ-28, આયત નં. 21)

પરંતુ શબે હિજરત હઝરત અલી (અ.સ.) પોતાની ખુશીથી અને કોઈપણ પ્રકારના ડર કે ભય વગર રસુલે અકરમ (સ.અ.વ.)ના બિસ્તર ઉપર સુતા હતા અને અલ્લાહ તઆલાએ તેમની પ્રશંસા પોતાની કિતાબમાં આ રીતે કરી છે:

وَمِنَ النَّاسِ مَن يَشْرِيْ نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللهِ  ط وَاللهُ رَءُوْفٌ بِالْعِبَادِ

“અને લોકોમાંથી (કોઈ) એવા (પણ) છે કે જે અલ્લાહની ખુશી મેળવવા માટે પોતાના નફસને વેચી નાખે છે અને અલ્લાહ પોતાના બંદાઓ ઉપર ખૂબજ માયાળુ છે.2

(સુરએ બકરહ-2, આયત નં. 207)

 

ભાગ 2 વાંચવાનું ચાલુ રાખવા માટે અહીં ક્લિક કરો …..

ગો ટૂ ટોચ