જેવી રીતે ખુદાવંદે આલમે મખ્લુકાતને દુનિયામાં પૈદા કર્યા પછી તેઓની જરૂરતો પણ ઉપલબ્ધ કરાવી કે જેથી તેઓ પોતાના અસ્તિત્વને તેના વડે જાળવી શકે. બીજી બાજુ તેઓ પોતાના અસ્તિત્વને કમાલના દરજ્જા સુધી પહોંચાડી શકે. એવી જ રીતે પરવરદિગારની વ્યવસ્થાએ ઈન્સાનોને નફા તથા નુકશાનથી માહિતગાર કરવા માટે અને તેઓના અસ્તિત્વની સંપૂર્ણતા અને કમાલના દરજ્જા સુધી પહોંચાડવા માટે પોતાની તરફથી માર્ગદર્શન અને હિદાયત માટે પોતાના પ્રતિનિધિઓની વ્યવસ્થા કરી છે. જેથી કરીને ઈન્સાનો નુકશાનથી સુરક્ષિત રહી શકે અને નફો તથા ફાયદો પહોંચાડે તેવા કાર્યો કરીને અસ્તિત્વની સંપૂર્ણતા અને કમાલના દરજ્જા સુધી પણ પહોંચી જાય. એટલા જ માટે ખુદાવંદે આલમે પોતાના પ્રતિનિધિઓને મોકલવાની જવાબદારી પોતે લીધી છે અને બીજા કોઈ ઉપર આ જવાબદારી નાખી નથી.
اِنَّ عَلَیْنَا لَلْہُدٰی وَ اِنَّ لَنَا لَلْاٰخِرَۃَ وَ الْاُوْلٰی
“બેશક હિદાયત કરવી અમારી જવાબદારી છે અને બેશક દુનિયા અને આખેરતનો ઈખ્તેયાર અમારા હાથમાં છે.”[1]
અને આવા પ્રતિનિધિઓ કે જે ઈન્સાનોને તેની કમાલના દરજ્જા સુધી પહોંચાડવામાં માર્ગદર્શન કરી શકે
તેવા જ હોય શકે છે કે જે ખુદ પોતે પણ સંપૂર્ણ હોય અને કમાલના દરજ્જા સુધી પહોંચવાના રસ્તાઓથી સારી પેઠે માહિતગાર પણ હોય. આ કાર્ય માટે એવા પ્રતિનિધિઓની જરૂરત છે કે જેઓ પોતાના નફસો ઉપર કાબુ ધરાવતા હોય, ઈસ્મત અને ઈલ્મે લદુન્નીના માલિક હોય કે જે તેઓને દરેક બાતિલ કથન અને કાર્યોથી સુરક્ષિત રાખી શકે. જેના પછી તેઓ માટે કોઈ પણ વાસ્તવિકતા મજહુલ એટલે કે અજ્ઞાત ન હોય. શું આવા પ્રતિનિધિ ખુદાવંદે આલમ સિવાય બીજુ કોઈ નિયુકત કરી શકે છે અથવા તો બનાવી શકે છે? હરગીઝ નહિ. ફકત ખુદાવંદે આલમની પવિત્ર ઝાત જ તમામ વાસ્તવિકતાઓથી માહિતગાર છે અથવા તેઓ માહિતગાર છે કે જેને ખુદાવંદે આલમ માહિતગાર કરેઃ
وَ رَبُّکَ یَعْلَمُ مَا تُکِنُّ صُدُوْرُہُمْ وَ مَا یُعْلِنُوْنَ
“અને તમારો પરવરદિગાર તે વસ્તુઓને જાણે છે કે જે તેમના દિલોમાં છુપાવેલ છે અને તે જાણે છે કે જેને તેઓ જાહેર કરે છે.”[2]
اَللہُ اَعْلَمُ حَیْثُ یَجْعَلُ رِسَالَتَہٗ
“અલ્લાહ તઆલા પોતાની રિસાલત (ની જવાબદારી) કોને આપવી તે સારી રીતે જાણે છે.“[3]
આ આધારે હિદાયત અને રેહબરી માટે જે ખુદાવંદે આલમના ઈમામ અને પ્રતિનિધિ હોય તેઓ ખુદાવંદે આલમના પસંદ કરેલા હોય એટલે કે ખુદાવંદે આલમની પવિત્ર ઝાત જેને તે મકામ અને મરતબા માટે યોગ્ય સમજે તેને જ ઈમામ તરીકે નિયુકત કરે. જેમકે અમુક આયતોમાં તે બાબત તરફ ઈશારો કરવામાં આવ્યો છે
قَالَ اِنِّیْ جَاعِلُکَ لِلنَّاسِ اِمَامًا
“(અલ્લાહે) ફરમાવ્યું: કે બેશક હું તમને લોકોના ઈમામ બનાવું છું.“[4]
એવી જ રીતે ખુદાવંદે આલમે યોગ્યતા ન ધરાવનારાઓને આ હોદ્દાથી દૂર કરી દીધા હોવાના બારામાં પણ એઅલાન કર્યું છેઃ
قَالَ لَا یَنَالُ عَہْدِی الظَّالِمِیْنَ
“(અલ્લાહે) ફરમાવ્યું કે મારો આ (ઈમામતનો) હોદ્દો ઝાલીમો સુધી નહિ પહોંચે.”[5]
એવી જ રીતે ખુદાવંદે આલમે ઈમામતના મકામને કરાર દેવાને પોતાની તરફ નિસ્બત આપી છે અને તે કાર્ય બીજાઓ તરફથી હોવાની મનાઈ કરી છે. આ તે વાતની સ્પષ્ટ દલીલ છે કે ખુદાવંદે આલમ સિવાય કોઈ પણ ઈમામની નિયુક્તિના મસઅલામાં હસ્તક્ષેપ કરી શકતુ નથી. આ તે હકીકત છે જેને અંબીયા (અ.મુ.સ.) અને અલ્લાહના વલીઓ પણ સારી પેઠે જાણે છે. એટલા જ માટે જ્યારે જનાબે મુસા (અ.સ.)એ ચાહ્યુ કે તે જનાબે હારૂન (અ.સ.)ને પોતાના જાનશીન બનાવે ત્યારે ખુદાવંદે આલમથી તેના માટે દરખાસ્ત કરી છે, નહિ કે પોતાની તરફથી જાનશીન બનાવ્યા છેઃ
وَ اجْعَلْ لِّیْ وَزِیْرًا مِّنْ اَہْلِیْ ہَارُوْنَ اَخِیْ
“અને મારા ખાનદાનમાંથી એક વઝીર મારા માટે નિયુકત કર, મારા ભાઈ હારૂનને.”[6]
એવી જ રીતે જ્યારે હુઝુરે અકરમ (સ.અ.વ.)એ પોતાની શરીઅતને અરબસ્તાનના કબીલાઓની સામે રજુ કરી તો અમુક લોકોએ આપ (સ.અ.વ.)ને કહ્યું કે તમે જે બાબતોની દઅવત આપી રહ્યા છો તેની ઉપર બયઅત કરી લઉં અને તમારાથી અહદ અને વાયદો પણ કરી લઉં અને જ્યારે ખુદાવંદે આલમ તમને તમારા વિરોધીઓ ઉપર વિજય અતા કરે તો શું તમે તમારી પછી આ (ઉમ્મતની) રેહબરી અને આગેવાની અમારા હાથોમાં આપી દેશો?
આપ હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું:
اَلْاَمْرُ اِلَی اللہِ یَضَعُہٗ حَیْثُ یَشَآئُ
“આ કાર્ય ખુદાવંદે આલમના ઈખ્તીયારમાં છે કે તે જેને ચાહે તેને અતા ફરમાવશે.“[7]
આ પ્રસ્તાવના પછી સવાલ એમ થાય કે શું દરેક ઝમાનામાં તેવા ઈલાહી પ્રતિનિધિ અને મઅસુમ ઈમામનું હોવુ વાજીબ છે? એટલે કે દરેક ઝમાના માટે ખુદાવંદે આલમની તરફથી ઈમામનું નિયુકત થવુ જરૂરી છે?
કુરઆને કરીમની આયતો અને ઈસ્લામી રિવાયતોની રોશનીમાં તે વાત સ્પષ્ટ અને સાબિત થઈ જાય છે કે ખુદાવંદે આલમે કયારેય પણ જમીનને ઈમામ વગર છોડી નથી.
કુરઆને કરીમમાં ઈરશાદ થાય છેઃ
اِنَّمَا اَنْتَ مُنْذِرٌ وَّ لِکُلِّ قَوْمٍ ہَادٍ
“બેશક તમે ફકત એક ચેતવનાર છો અને દરેક કૌમ માટે એક હાદી (રેહબર) છે.“[8]
આ ઉપરથી બે બાબતો સ્પષ્ટ થાય છેઃ
૧) આં હઝરત (સ.અ.વ.) ચેતવવા માટે નિયુકત કરવામાં આવ્યા હતા. એટલે કે કયામતના દિવસના બનાવોથી માહિતગાર કરવા માટે.
ર) ખુદાવંદે તઆલાએ દરેક કૌમ માટે એક હાદી (હિદાયત કરનાર) નિયુકત ફરમાવ્યા છે. ચર્ચા એ છે કે આ આયતમાં હિદાયત કરનાર દરેક ઝમાનામાં કરાર દેવામાં આવ્યા છે તે કોણ છે? શું દરેક કૌમ અને મિલ્લતના આલીમો અને બુધ્ધિજીવીઓ છે? અને હાદીથી મુરાદ કૌમના આલીમો હોય શકે નહિ. કારણકેઃ
અ) દરેક ઝમાનામાં અને દરેક કૌમ અને મિલ્લતમાં ઘણા બધા અને અસંખ્ય આલીમો અને બુધ્ધિજીવીઓ જોવા મળે છે. તેમાં કોઈ એક આલીમ કે ફકત કોઈ એક બુધ્ધિજીવી હોતુ નથી. જ્યારે કે આ આયતમાં ફકત એક હાદીની જરૂરત હોવાની વાત થઈ રહી છે અને પછી તે ઘણી બધી સંખ્યામાંથી ફકત એકને જ કેવી રીતે નિયુકત કરી શકાય તેનું માપદંડ શું હશે અને તે કોણ નિયુકત કરશે?
બ) શબ્દ “હાદ’ આ આયતમાં મુત્લક રીતે વર્ણવવામાં આવ્યો છે. તેનો મતલબ એમ થશે કે દરેક ઝમાનામાં એક એવા હાદીનું હોવુ જરૂરી છે કે જે દરેક મસઅલામાં અલ્લાહ તબારક વ તઆલાના હુકમ તરફ આપણુ માર્ગદર્શન કરે અને તેનાથી હિદાયતના કાર્યમાં કોઈ ભુલ કે ખતા ન થાય. જ્યારે કે આપણે કોઈ પણ કૌમના આલીમ માટે અકલી અને શરઈ આધારે કોઈ પણ ભુલ ન થતી હોવાની માન્યતા ધરાવતા નથી. બલ્કે દરેક આલીમ કોઈને કોઈ ભુલ કે ખતાના શિકાર થઈ શકે છે.
એવી જ રીતે બીજી આયતોથી પણ એ સ્પષ્ટ થાય છે કે તે ઈમામ અને હાદી ખુદાવંદે આલમના હુકમ તરફ હિદાયત કરનાર હોય છે. તેઓ પોતાની તરફથી હિદાયત કરતા નથી. અગર તેમ હોત તો જરૂર તેઓ ભુલ અને ખતામાં સપડાય ગયા હોત.
وَ جَعَلْنَا مِنْہُمْ اَئِمَّۃً یَّہْدُوْنَ بِاَمْرِنَا لَمَّا صَبَرُوْا
“અને અમોએ તેઓમાંથી અમૂકને ઈમામ બનાવ્યા કે તેઓ અમારા હુકમથી હિદાયત કરે છે, જ્યારે તેઓ સબ્ર કરતા.“[9]
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે લોકોની રેહબરી અને હિદાયત એવા ઈમામોની જવાબદારી ઠેરવવામાં આવી છે કે જેઓ ખુદાવંદે આલમની તરફથી નિયુકત થયેલા હોય છે અને કોઈ પણ પ્રકારની શંકા વગર તેઓ જ હક્ક તરફ હિદાયત કરનારા હોય છે અને તેઓ જ સૌથી વધારે ઈમામત અને ખિલાફતના હક્કદાર હોય છે અને પછી તેઓ જ તે વાતનો પણ હક્ક ધરાવતા હોય છે કે લોકો તેમની ઈતાઅત અને અનુસરણ કરેઃ
اَفَمَنْ یَہْدِیْ اِلٰی الْحَقِّ اَحَقِّ اَنْ یُّتَّبَعَ اَمَّنْ لَّا یَہْدِّیْ اِلَّا اَنْ یُّہْدٰی فَمَالَکُمْ کَیْفَ تَحْکُمُوْنَ
“શું તે કે જે હક તરફ હિદાયત કરે તે વધુ હકદાર છે કે તેની તાબેદારી કરવામાં આવે? અથવા તે કે જેને કોઈ હિદાયત ન કરે ત્યાં સુધી હિદાયત થતી નથી? તમને શું થઈ ગયું છે કેવી રીતે ફેંસલો કરો છો?” [10]
આ આયતનો સ્પષ્ટ સંદેશ એ છે કે તે જ ઈમામ ઈતાઅતને લાયક છે કે જેઓ હિદાયત પામેલા છે અને લોકોની રેહબરી કરવાની લાયકાત તેમનામાં જોવા મળે છે. જેને પોતાને રસ્તો ન મળ્યો હોય તે બીજાઓની હિદાયત કરી શકતો નથી અને પરિણામ સ્વરૂપ તે અનુસરણ કરવાને લાયક થશે નહિ.
આ આયતની તફસીરમાં અગર શીઆ અને સુન્ની રિવાયતો ઉપર નજર કરવામાં આવે તો વાત તદ્દન સ્પષ્ટ થઈ જાય છે અને કોઈ પણ પ્રકારની શંકા બાકી રહેતી નથી. એહલે સુન્નતની બે રિવાયતો ઉપર ધ્યાન આપોઃ
૧) એહલે સુન્નતની અમૂક તફસીરમાં નોંધવામાં આવ્યું છે કે જ્યારે આયત
اِنَّمَا اَنْتَ مُنْذِرٌ وَّ لِکُلِّ قَوْمٍ ہَادٍ
નાઝીલ થઈ તો અલ્લાહના રસુલ (સ.અ.વ.)એ પોતાનો મુબારક હાથ પોતાની નુરાની છાતી ઉપર રાખ્યો અને ફરમાવ્યું: اَنَا الْمُنْذِرْ એટલે કે હું ચેતવનાર છું અને પોતાના મુબારક હાથથી હઝરત અલી (અ.સ.)ના ખભા તરફ ઈશારો કરીને ફરમાવ્યું:
اَنْتَ الْہَادِی یَا عَلِیْؑ! یَہْتَدِیْ بِکَ الْمُہْتَدُوْنَ مِنْ مَعْدِیْ
“અય અલી (અ.સ.)! તમે હિદાયત કરનાર છો મારી પછી, તમારા વડે હિદાયત પામનારાઓ હિદાયત પામશે.“[1]
ર) એહલે સુન્નતના બુઝુર્ગ આલીમ ફખ્રૂદીન રાઝીએ “મફાતીહુલ ગય્બ’માં આજ આયતની તફસીરમાં તફસીરકારોની ત્રણ માન્યતાઓ બયાન કરી છે. ત્રીજી માન્યતાની બુનિયાદ ઉપર ચેતવનારથી મુરાદ રસુલે અકરમ (સ.અ.વ.) છે અને હિદાયત કરનારથી મુરાદ હઝરત અલી (અ.સ.) છે. ત્યારબાદ ઈબ્ને અબ્બાસે આ પ્રમાણે નોંધ્યુ છેઃ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ પોતાનો હાથ પોતાની છાતી ઉપર રાખીને ફરમાવ્યું: હું ચેતવનાર છું. પછી હઝરત અલી (અ.સ.)ની તરફ ઈશારો કરીને ફરમાવ્યું: અય અલી (અ.સ.)! તમે હિદાયત કરનાર છો અને મારી પછી હિદાયત પામનારાઓ તમારી થકી હિદાયત પામશે.
અક્લ અને શરીઅતની રોશનીમાં દરેક ઝમાનામાં ઈલાહી પ્રતિનિધિઓના અસ્તિત્વની જરૂરીયાત સાબિત થઈ ગયા પછી અકલી અને શરઈ સ્વરૂપે કોઈ પણ અકલ ધરાવનાર માટે એ યોગ્ય નથી કે તે એવા ઈમામ અને હિદાયતથી અલગ થઈને ઝીંદગી પસાર કરે અને ખુદાવંદે આલમે નિયુકત કરેલા ઈમામનું અનુસરણ ન કરે. જેવી રીતે કુરઆને કરીમ અને હદીસમાં દરેક ઝમાનામાં ઈમામની જરૂરીયાત સાબિત છે તેવી જ રીતે આયતો અને રિવાયતોની રોશનીમાં પણ તે સાબિત છે કે તે અઝીમુશ્શાન ઈમામોથી મુરાદ અઈમ્મએ તાહેરીન (અ.મુ.સ.) સિવાય બીજુ કોઈ નથી. તે ઈમામતના સિલસિલાની પ્રથમ કડી અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે અને તે સિલસિલાની અંતિમ કડી ઈમામ મહદી ઈબ્ને હસન અલ અસ્કરી (અ.મુ.સ.) છે. આજે પણ આ જમીન તે જ હુજ્જતે ખુદા અને વલીએ ખુદાના નુરાની અસ્તિત્વથી કાએમ છે અને જમીન ઉપર પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના ફરઝંદ તરીકે તેઓ જ ગદીરના તાજદારના વારીસ તરીકે મૌજુદ છે.
આવો તે જ ઈમામની મોહબ્બત, વિલાયત, ઈતાઅત અને રેહબરીની બયઅતને તાજી કરીએ અને ખુદાવંદે આલમની બારગાહમાં તેમના જલ્દી ઝુહુર થવા માટે દોઆ કરીએ.
ખુદાયા! આ ખુશીભર્યા પ્રસંગે ગદીરના તાજદારના વારીસ, ઝહરા (સ.અ.)ના ફરઝંદ હઝરત હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી (અ.ત.ફ.શ.)ના પુરનૂર ઝૂહુરમાં જલ્દી ફરમાવ અને દુનિયામાં ગદીરી ઈસ્લામના અસ્બાબ પૈદા ફરમાવ. આમીન.
[1] સુરએ લય્લ : ૧ર, ૧૩
[2] સુરએ ક્સસ
[3] 3 સુરએ અન્આમ : ૧ર૪
[4] સુરએ બકરહ : ૧ર૪
[5] સુરએ બકરહ : ૧ર૪
[6] સુરએ તાહા : ર૯-૩૦
[7] ઈબ્ને હિશામ, સિરતુન નબવીય્યહ, ભા. ૧, પા. ૪ર૫
[8] સુરએ રઅદ : 9
[9] સુરએ સજદા : ર૪
[10] સુરએ યુનુસ : ૩૫
[11] તફસીરે ગરાએબુલ ફરકાન, ભા. ૪, પા. ૧૪૧, શવાહેદુત્તન્ઝીલ, ભા. ૧, પા. ૧૮૩
ખિલાફતના મકતબના અનુયાયીઓ જો કે અલી (અ.સ)ને રસુલે ઇસ્લામના બિલાફસ્લ અને જાંનશીન ખલીફા નથી માનતા.…
અલ્લાહ તઆલાએ કાએનાત અને કાએનાતની મખ્લુકાતને પૈદા કરીને તેઓને સાચા રસ્તા ઉ૫ર ચલાવવા માટે અને…
الحمد للہ وسلامٌ علیٰ عباد الّذین اصطفیٰ વખાણ છે તે અલ્લાહના અને સલામ થાય તે…
એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત દીને ઇસ્લામનો તે પાયો છે કે જેની ઉ૫ર દીની ઇમારત કાયમ અને સ્થપાયેલી…
અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની મહાન ઇમામત અને બિલાફસ્લ ખિલાફતને સાબીત કરનારી…
એ વાત દિવસની જેમ પ્રકાશિત છે કે ઉમ્મત માટે એક માર્ગદર્શકના અસ્તિત્વનું હોવુ આવશ્યક છે.…