એ વાત દિવસની જેમ પ્રકાશિત છે કે ઉમ્મત માટે એક માર્ગદર્શકના અસ્તિત્વનું હોવુ આવશ્યક છે. કોઈ
પણ આ જરૂરતને નકારી શકતુ નથી કારણકે આ ઝીંદગીનો મસઅલો છે.
ઈસ્લામે આ માર્ગદર્શકની નિયુક્તિ માટે અમુક કાનૂનો અને સિધ્ધાંતો બનાવ્યા છે કે નહિ? કારણકે તે કાનૂનો અને સિધ્ધાંતોનું વર્ણન કુરઆને કરીમમાં અને સુન્નતમાં જોવા મળે છે કે નહિ?
બહુમતીનું કહેવુ છે કે કુરઆને કરીમ અને હદીસોમાં આ સંબંધમાં કોઈ સ્પષ્ટ કાનૂનો જોવા મળતા નથી. બલ્કે આ મસઅલો ઉમ્મતની સંમતિ ઉપર છોડી દેવામાં આવ્યો છે.
અગર આ મસઅલો ઉમ્મતના હવાલે કરવામાં આવ્યો છે તો આ સિલસિલામાં શું ઉમ્મતને કંઈ માર્ગદર્શન આપવામાં આવ્યું છે?
માર્ગદર્શકની પસંદગીના સિલસિલામાં ઉમ્મતે જે પધ્ધતિથી કામ લીધુ છે તેનાથી એ વાત તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે તેના માટે કોઈ ચોક્કસ અને સ્પષ્ટ પધ્ધતિ જોવા મળતી નથી. એટલા માટે કે તેના માટે કોઈ ચોક્કસ પધ્ધતિ છે જ નહિ કે જેના ઉપર બધા લોકો એકમત હોય.
અહીં નીચે અમુક પધ્ધતિનું અવલોકન કરીએઃ
ઈજમાઅ (એકમત હોવુ):
અમુક લોકો એમ માને છે કે માર્ગદર્શકની પસંદગી ઈજમાઅથી થવી જોઈએ. ઈજમાઅ એટલે સમગ્ર
ઉમ્મતનું એકમત હોવું.
પરંતુ આ વાત અમલી સ્વરૃપે શકય નથી. કારણકે સમગ્ર ઉમ્મતનું કોઈ એક વાત ઉપર કોઈ પણ પ્રકારના વિરોધાભાસ વગર એકમત હોવુ એ અશકય બાબત છે. આથી અમુક લોકોએ આ મુશ્કીલને સમજતા સમગ્ર ઉમ્મતની કૈદને હટાવીને અમુક લોકોના ઈજમાઅને જરૂરી ઠેરવ્યું છે. એટલે કે દરેક શહેરના ફઝીલત ધરાવનારા લોકોને ઈજમાઅ માટે જરૂરી ઠેરવવામાં આવ્યા છે.
અહીંયા પણ એ જ મુશ્કીલ છે કે દરેક શહેરના તમામ ફઝીલત ધરાવનારા લોકોનું એકત્ર થવું આસાન બાબત નથી અને અગર તેઓ એકત્ર થઈ પણ જાય તો પણ કોઈ એક વાત ઉપર દરેકનું એકમત હોવું એ આસાન બાબત નથી. જો કે એહલે સુન્નતને ત્યાં ખલીફાની પસંદગી માટે નીચે આપેલી પધ્ધતિઓ બયાન કરવામાં આવે છે.
૧) ઈજમાઅ
ર) અરબાબે હલ્લ વ અકદ વડે પસંદગી
૩) અરબાબે હલ્લ વ અકદમાં અમુક લોકોનું કોઈની બયઅતનું કરવું
૪) અગાઉના ખલીફા તરફથી નિમણુંક થવી (ઈસ્તીખ્લાફ)
૫) કહર અને ગલ્બા (પ્રભુત્વ)
આવો હવે એક એક પધ્ધતિનું અવલોકન કરીએ.
૧) ઈજમાઅઃ
ઈજમાઅ અમલી સ્વરૂપે શકય નથી અને ન તો કોઈ આ વાસ્તવિકતાનો દાવેદાર છે કે સમગ્ર ઉમ્મત કોઈ એક વાત ઉપર એકમત થઈ હોય. આથી આ વિચારધારા આદર્શ જરૂર છે પરંતુ અમલી સ્વરૃપમાં તેનું જાહેર થવું મુશ્કેલ બાબત છે.
૨-૩) અરબાબે હલ્લ વ અકદ વડે પસંદગીઃ
આ પરિસ્થિતિને ‘શૂરા’ સાથે સરખાવી શકાય છે. પરંતુ ‘શૂરા’ની તમામ શરતો અને પાબંદીઓ સ્પષ્ટ
નથી.
૧) કેટલા લોકોનું હોવુ જરૂરી છે. એટલે કે તેમાં કોને કોને શામેલ કરી શકાય?
૨) તે લોકોમાં કઈ કઈ શરતો હોવી જરૂરી છે?
૩) તે વ્યક્તિઓની પસંદગી કોણ કરે?
૪) ધોતાની દરમ્યાનથી જ પસંદગી કરવી જરૂરી છે કે પછી કોઈ બીજા વ્યક્તિની પસંદગી પણ કરી શકાય છે.
૫) વિરોધાભાસ અને અલગ અલગ મંતવ્યો આવવાની પરિસ્થિતિમાં હલ્લની શું ભૂમિકા હશે?
૬) કેટલા દિવસોમાં કાર્ય સંપૂર્ણ કરવું જરૂરી છે?
૭) તેની શરઈ હૈસિયત શું છે?
૮) શૂરાનું કાર્યક્ષેત્ર ફકત ખલીફાની પસંદગી કરવી જ છે કે પછી ઉમ્મતના બીજા કાર્યોમાં પણ તેઓ દખલ કરી શકે છે?
૯) ખલીફાની પસંદગી પછી તેની કોઈ કાનૂની હૈસિયત બાકી રહે છે કે પછી ખતમ થઈ જાય છે?
આ પ્રકારના બીજા પણ ઘણા બધા સવાલો આ વિષયમાં કરી શકાય છે.
અગર એહલે સુન્નતની કિતાબોનો અભ્યાસ કરવામાં આવે તો તે વાત સ્પષ્ટ થઈ જશે કે શૂરાના કોઈ માપદંડ કે ધારા ધોરણ નથી. કોઈ એવુ વિસ્તૃત સ્વરૂપ નથી કે જેની ઉપર બધા એકમત હોય.
અમુક લોકો એમ કહે છે કે શૂરામાં પાંચ વ્યક્તિઓનું હોવુ જરૂરી છે. દલીલઃ અબુબક્રની બયઅત પાંચ લોકોએ કરી હતી.
અમુક લોકોના કહેવા મુજબ શૂરામાં છ લોકોનું હોવું જરૂરી છે. દલીલઃ ઉમરે શૂરામાં છ વ્યક્તિઓની નિમણુંક કરી હતી.
અમુક લોકો મુજબ શૂરામાં ફકત બે લોકોનું હોવુ જરૂરી છે. દલીલઃ નિકાહમાં એક વલી અને બે ગવાહનું હોવુ જરૂરી છે.
અમુક માન્યતા પ્રમાણે ફકત એક વ્યક્તિનું હોવુ પૂરતુ છે. દલીલઃ જનાબે અબ્બાસે હઝરત અલી (અ.સ.)ને કહ્યું હતું કે હાથ આગળ કરો જેથી હું તમારા હાથ ઉપર બયઅત કરૂ. જેથી લોકો કહે કે રસુલે ખુદા (સ.અ.વ.)ના કાકા એ પોતાના ભત્રીજાના હાથો ઉપર બયઅત કરી છે. પછી કોઈ વિરોધાભાસ ઉત્પન્ન નહિ થાય.[1]
આ બધા ઉપરાંત ઈબ્ને હઝમની એ સ્પષ્ટતા સંપૂર્ણ રીતે સાબિત આવે છે. “દરેક તે વાત જેના માટે કુરઆને કરીમ અને રસુલે અકરમ (સ.અ.વ.)ની સુન્નત અને ઉમ્મતના યકીની ઈજમાઅમાંથી કોઈ દલીલ ન હોય તે ચોક્કસ બાતિલ છે. તેના માટે કુરઆને કરીમનું ફરમાન છેઃ
قُلْ ہَاتُوْا بُرْہَانَکُمْ اِنْ کُنْتُمْ صَادِقِیْنَ
તમે કહો કે અગર જો તમે સાચા હોવ તો તમારી દલીલો રજુ કરો.[2]
આથી જે વાતની સચ્ચાઈ ઉપર કોઈ દલીલ કે પુરાવો ન હોય તે સાચી નથી.[3]
૪) અગાઉના ખલીફા તરફથી નિમણુંક કરવીઃ
જેવી રીતે અબુબક્રએ ઉમરને નિયુકત કર્યો અથવા ઉમરે એક જમાઅતની નિમણુંક કરી જે લોકોના ખલીફાની પસંદગી કરે અથવા એક ખલીફા તેની પછી આવનાર બીજા ખલીફાની પસંદગી કરે. જેવી રીતે સુલૈમાન બીન અબ્દુલ મલિકે પોતાની પછી ઉમર બીન અબ્દુલ અઝીઝની નિમણુંક કરી અને ઉમર બીન અબ્દુલ અઝીઝ પછી યઝીદ બીન અબ્દુલ મલિકનું નામ જાહેર કર્યું.[4]
અહીંયા સૌથી મહત્વનો સવાલ એ છે કે ખલીફાનું નામ જાહેર કરવાનો અધિકાર કોણે આપ્યો? તેની શરઈ હૈસિયત શું છે? તેની શું દલીલ છે? કોઈ આયત કે પછી કોઈ રિવાયતનો હવાલો છે?
અગર એમ માની લેવામાં આવે કે હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ પોતાના પછી કોઈ ખલીફાની નિમણુંક નથી કરી તો આં હઝરત (સ.અ.વ.)ના બની બેઠેલા ખલીફાઓને પોતાના પછી જાંનશીન નિયુકત કરવાનો હક્ક કોણે આપ્યો?
૫) કહર અને ગલ્બાઃ
જે પ્રભુત્વ હાસીલ કરી લે તે જ ખલીફા. ઈમામ એહમદનું બયાન છે કે ‘અલ ઈમામત લે મન ગલબ’ અને તેની અબ્દુલ્લાહ બીન ઉમરનો આ અમલ છે કે હરરરાના ઝમાનામાં ઈબ્ને ઉમરે મદીનાના લોકોની સાથે નમાઝ પઢી અને આમ કહ્યું: ‘નહનો મઅ મન ગલબ’ એટલે કે જે પ્રભુત્વ હાસીલ કરી લે અમે તેની સાથે છીએ.[5]
અગર કહર, ગલ્બા અને પ્રભુત્વ જ ઈમામત અને ખિલાફતની દલીલ છે તો આ ફિત્ના અને ફસાદનું કારણ છે. તે ખુનામરકી અને કત્લનું કારણ બનશે. દરેક ઝાલીમ અને અત્યાચારી અને સત્તા પ્રિય માટે નવો રસ્તો તૈયાર કરવાનું કાર્ય કરશે.
આ તમામ પરિસ્થિતિઓ ઉપર ધ્યાન આપવાથી એ વાત તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે ખલીફાની પસંદગી કરવાની પધ્ધતિ અગાઉથી જ નક્કી ન હતી અને તેમાં એવી કોઈ પધ્ધતિ નથી કે જેની ઉપર કુરઆને કરીમ અને સુન્નતથી સ્પષ્ટ દલીલ અને પુરાવો મૌજુદ હોય. બલ્કે આ બધી બાબતો જે પધ્ધતિથી અમલમાં આવી તે પધ્ધતિ શરઈ રીતે સાબિત કરવાની નકામી કોશિશો કરવામાં આવે છે. આથી દરેક તે પધ્ધતિ કે જેના હેઠળ ખિલાફત ઉપર કબ્જો જમાવી દેવામાં આવ્યો તે જ પધ્ધતિ શરઈ થઈ ગઈ.
ઉપરોકત બાબતોથી એક અત્યંત કડવી વાસ્તવિકતા સામે આવે છે કે ઈસ્લામ કે જે આખરી આસમાની મઝહબ છે અને જેના સંપૂર્ણ થવાનું એઅલાન કરવામાં આવ્યું છે. તેમાં ઝીંદગીના આટલા બધા મહત્વના મસઅલા માટે કોઈ ચોક્કસ અને સ્પષ્ટ કાનૂનનું વર્ણન કરવામાં આવ્યું નથી અને આટલા ગંભીર મસઅલાને ઉમ્મતના હવાલે કરી દેવામાં આવ્યો છે. જે વસ્તુ (માર્ગદર્શક) ઉમ્મતમાંથી વિરોધાભાસ દૂર કરવાનું કારણ હોય તે બાબત ખુદ વિરોધાભાસનું કારણ બની ગઈ.
આ બધા વિરોધાભાસનું કારણ એ છે કે આ બધા કાનુનો અને માપદંડ પછી બનાવવામાં આવ્યા છે. જ્યારે કે ઘટના પહેલા ઘટી છે અને કાનૂન અને માપદંડ પછી બનાવવામાં આવ્યા છે. આ બધી કોશિશો
ફક્ત એટલા માટે છે કે અગાઉના બુઝુર્ગોના કાર્યો યેન કેન પ્રકારે સાચા સાબિત થઈ જાય. આથી જ્યાં શૂરાની જરૂર હતી ત્યાં શૂરાનું માપદંડ નક્કી કરવામાં આવ્યું અને જ્યાં કહર-ગલ્બા અને પ્રભુત્વની પધ્ધતિ યોગ્ય લાગી ત્યાં તેને માપદંડ ગણવામાં આવ્યું. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે આ બધી ઘટનાઓ ઈસ્લામી કાનૂનોની રોશનીમાં અસ્તિત્વમાં નથી આવી બલ્કે આ ઘટનાઓ મુજબ ઈસ્લામી કાનૂનોને બનાવવામાં આવ્યા છે અને તે મુજબ તેનું અર્થઘટન કરવામાં આવ્યું છે. સૌથી વધારે મજાની વાત તો એ છે કે જે પ્રમાણે બનાવો બનતા ગયા એવી જ રીતે તેને અનુરૂપ માપદંડ પણ બનાવવામાં આવતા ગયા. નીચે એક અવલોકન આપવામાં આવ્યું છે.
એ વાત ધ્યાન આપવા લાયક છે કે ત્રીજા ખલીફાની હક્કાનિય્યત એ વાત ઉપર આધારિત છે કે બીજા ખલીફાની ખિલાફત સાચી અને યોગ્ય હોવી જોઈએ. એટલા માટે કે તેણે જ શૂરા કમિટીનું નિર્માણ કર્યું હતું અને તેની શરતો પણ તેણે જ બયાન કરી હતી. અગર ખુદ બીજા ખલીફાની ખિલાફત સાચી અને યોગ્ય ન હોય તો પછી શૂરા કમિટીની કોઈ હૈસિયત બાકી રહેતી નથી. એટલા માટે કે શૂરા કમિટીની નિમણુંક તેણે કરી હતી કે જેને કોઈ અધિકાર જ ન હતો. જો કે બીજા ખલીફાને પ્રથમ ખલીફાની વસિય્યત વડે ખલીફા બનાવવામાં આવ્યો હતો. આથી બીજા ખલીફાની ખિલાફત પણ પ્રથમ ખલીફાની ખિલાફતની હક્કાનિય્યત ઉપર આધારિત છે. અગર પ્રથમ ખલીફાની ખિલાફત જ ગૈરઈસ્લામી હોય તો તે જેને પણ ખલીફા બનાવે તે ગૈરકાનૂની હશે. આ વાત તો બિલ્કુલ એવી છે કે જે શખ્સ ખુદ પોતે ઘરનો માલિક ન હોય તે બીજા કોઈને ઘરનો માલિક કેવી રીતે બનાવી શકે છે?
આ આધારે સૌથી પહેલા પ્રથમ ખિલાફતનું અવલોકન કરીએ અને જોઈએ કે જેને લોકોએ ‘ઈજમાઅ’ અથવા ‘શૂરા’ કરાર દે છે તેની વાસ્તવિકતા શું છે?
સકીફાઃ
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની આંખ બંધ થતાની સાથે જ મૌકાની તલાશમાં રહેલા લોકો પોત પોતાની કામગીરીમાં લાગી ગયા. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ દઅવતે ઝુલ્અશીરાથી ઝીંદગીના આખરી પળ સુધી જે ખિલાફત અને ઈમામતનું કાયદેસર એઅલાન અને સ્પષ્ટતા કરી હતી અને ગદીરના પ્રસંગે દરેક લોકોથી બયઅત લીધી હતી તે તમામ એઅલાન અને સ્પષ્ટતાઓને રસુલે અકરમ (સ.અ.વ.)ના કહેવાતા સહાબીઓએ પાયમાલ કરીને અગાઉથી જ વિચારીને રાખેલી યોજનાને અમલી સ્વરૂપ આપવા લાગ્યા.
જ્યાં સુધી અબુબક્ર ન આવ્યા ત્યાં સુધી ઉમર રસુલે અકરમ (સ.અ.વ.)ની રેહલતનો ઈન્કાર કરતા રહ્યા અને એમ કહેતા રહ્યા કે ‘મુનાફીકો એમ સમજે છે કે રસુલે ખુદા (સ.અ.વ.) ઈન્તેકાલ ફરમાવી ગયા છે. રસુલે ખુદા (સ.અ.વ.)ને મૌત નથી આવી બલ્કે તેઓ જનાબે મુસા (અ.સ.)ની જેમ ૪૦ રાત્રીઓ માટે કૌમથી ગાએબ થઈ ગયા છે. ખુદાની કસમ! રસુલે ખુદા (સ.અ.વ.) પરત આવશે અને જે લોકો તેમને મૃત્યુ પામેલા સમજી રહ્યા છે હું તેઓના હાથ અને પગને કાપી નાખીશ. જે કોઈ એમ કહે કે રસુલે ખુદા (સ.અ.વ.)નો ઈન્તેકાલ થઈ ગયો છે હું તેનું માથુ તલ્વારથી અલગ કરી નાખીશ.’[6]
લોકોએ આ આયતની તિલાવત કરીઃ
وَ مَا مُحَمَّدٌ اِلَّا رَسُوْلٌ ۚ قَدْ خَلَتْ مِنْ قَبْلِہِ الرُّسُلُ ؕ اَفَائِنْ مَّاتَ اَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلٰی اَعْقَابِکُمْ
“મોહમ્મદ (સ.અ.વ.) માત્ર એક રસૂલ છે, જેની અગાઊ રસૂલો થઈ ગયા છે; અગર તે મરી જાય અથવા માર્યો જાય તો શું તમે તમારા (કુફ્ર તરફ) પાછા ફરી જશો?“[7]
પરંતુ તેની કોઈ અસર ન થઈ. બલ્કે બીજા ખલીફાનો ગુસ્સો એટલી હદે વધી ગયો કે તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા.[8]
પરંતુ જ્યારે અબુબક્રએ આવીને આ આયતની તિલાવત કરી તો ઉમરે કહ્યું કે શું આ આયત ખુદાવંદે આલમની કિતાબમાં છે? અબુબક્રએ કહ્યું: હા. તો તે સમયે ઉમર ખામોશ થઈ ગયા.[9]
અબુબક્રના આવવા પહેલા રસુલે અકરમ (સ.અ.વ.)ની રેહલતમાં શંકા કરવી (જો કે શંકા કરવી ઉમરની
સિરત છે) અને અબુબક્રના મુખે આયત સાંભળ્યા પછી ચૂપ થઈ જવું એ કોઈ નક્કી કરેલી યોજનાની આગાહી કરે છે.
સકીફા એ બની સાએદાહઃ
સકીફા એ જમીન હતી જેને ચટાઈઓથી ઘેરી દેવામાં આવી હતી અને તેની ઉપર ખજુરની ડાળીઓની છત નાખવામાં આવી હતી. એટલે કે ખજુરની ડાળીઓનું છાપરૂ હતુ અને ચટાઈઓની બનાવેલી દિવાલ હતી. કબીલએ ખઝરજની ડાળી “બની સાએદાહ’ના ઘણા બધા લોકો અવારનવાર આ જગ્યાએ એકઠા થતા હતા. તેની માલિકી અને કબ્જો “સઅદ બીન એબાદાહ’ના હાથોમાં હતા. આજ કારણે તેને ‘સકીફએ બની સાએદાહ’ કહેવામાં આવે છે.
સકીફાની દાસ્તાનઃ
આ બનાવના ચશ્મદીદ ગવાહ અને તેના મુખ્ય સુત્રધાર ઉમર બીન ખત્તાબના મુખેથી આ ઘટનાને સાંભળીએ. તેઓનું બયાન છે કેઃ
‘જે સમયે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)નો ઈન્તેકાલ થયો તો અમને એ સમાચાર મળ્યા કે ‘અન્સાર’ સકીફએ બની સાએદાહમાં એકઠા થયા છે. અલી (અ.સ.), ઝુબૈર અને તેના સાથી અમારી સાથે નથી. મેં
અબુબક્રને કહ્યું ચાલો આપણે અન્સારની પાસે જઈએ અને અમે લોકો અનસાર પાસે પહોંચી ગયા. ત્યાં ચાદર ઓઢીને બેઠેલા એક શખ્સને અમે જોયો. લોકોએ કહ્યુંઃ આ સઅદ બીન એબાદાહ છે અને તે તાવમાં તપી રહ્યો છે. અમે ત્યાં થોડીવાર બેઠા. એટલી વારમાં તેઓના વકતાએ ખુદાવંદે આલમની હમ્દ અને પ્રશંસા પછી કહ્યું: અમ્મા બઅદ અમે અન્સારૂલ્લાહ (એટલેકે અલ્લાહના મદદગારો) છીએ અને ઈસ્લામના પ્રથમ હરોળના મુજાહીદો છીએ અને તમે મોહાજીરોના અમુક લોકોની એક જમાઅત છો. આ સાંભળીને મેં કઈક કહેવા ચાહ્યુ. પરંતુ અબુબક્રએ મને રોકી લીધો. ત્યારબાદ ખુદ અબુબક્ર એ ગુફતગુ કરી અને હું જે કંઈ કહેવા ચાહતો હતો તેનાથી શ્રેષ્ઠ વાત કરી અને કહ્યું…
(અય અનસાર!) તમે જે નેકીનું વર્ણન કર્યું તેના માટે લોકો છે અને આ ખિલાફતનું અમ્ર તો ફકત કુરેશના કબીલા માટે જ યોગ્ય છે. આ કુરેશ ઘર અને વંશના આધારે શ્રેષ્ઠ છે અને આ કાર્ય માટે હું તમારી સમક્ષ બે નામો રજુ કરૂ છું. તમે જેની ચાહો તેની બયઅત કરી લ્યો. પછી ‘મારો અને અબુ ઉબેદાહ’નો હાથ ઉંચો કર્યો. વધુ વિગત માટે જુઓ.[10]
[1] હવાલા માટે જુઓ અલ એહકામુસ્સુલ્તાનીય્યહ, માવરદી, પા. ૬, ૭
[2] સુરએ નમ્લ, આ. ૬૪
[3] અલ ફસલ, ભા. ૪, પા. ૧૬૮
[4] અલ એહકામુસ્સુલતાનીય્યાહ, માવરદી, પા. ૬, ૧૪, અલ એહકામુસ્સુલતાનીય્યાહ ફરાઅ, ર૩
[5] માએરૂલ એફાકાહ, ભા. ૧, પા. ૭૧
[6] તારીખે અબુલ ફિદાઅ, ભા. ૧, પા. ૧૬૪
[7] સુરએ આલે ઈમરાન, આ. ૧૪૪
[8] અન્સાબુલ અશ્રાફ, ભા. ૧, હ. ૫૬૭૮, કન્ઝુલ ઉમ્માલ, ભા. ૪, પા. ૫૩
[9] અબ્કાતે ઈબ્ને સાઅદ, ભા. ૩, ક. ર, પા. ૫૪, ઈબ્ને કસીર, ભા. પ, પા. ર૪૩
[10] પેશવાઈ અઝ નઝરે ઈસ્લામ, જનાબ આકાએ જઅફર સુબ્હાનીની કિતાબનો અભ્યાસ કરો.
ખિલાફતના મકતબના અનુયાયીઓ જો કે અલી (અ.સ)ને રસુલે ઇસ્લામના બિલાફસ્લ અને જાંનશીન ખલીફા નથી માનતા.…
અલ્લાહ તઆલાએ કાએનાત અને કાએનાતની મખ્લુકાતને પૈદા કરીને તેઓને સાચા રસ્તા ઉ૫ર ચલાવવા માટે અને…
الحمد للہ وسلامٌ علیٰ عباد الّذین اصطفیٰ વખાણ છે તે અલ્લાહના અને સલામ થાય તે…
એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત દીને ઇસ્લામનો તે પાયો છે કે જેની ઉ૫ર દીની ઇમારત કાયમ અને સ્થપાયેલી…
અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની મહાન ઇમામત અને બિલાફસ્લ ખિલાફતને સાબીત કરનારી…
૧૮ મી ઝિલ્હજ્જ હી.સ. ૧૦ માં ખુદાવંદે આલમના હુકમ ઉપર અમલ કરતા રસુલે ઈસ્લામ હઝરત…