અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત- આયએ સાદેકીનની રોશનીમાં (બીજો ભાગ)
ફખ્રે રાઝીની ખોટી સમજણ આ બાબતમાં ફખ્રે રાઝી કહે છે કે ‘ખુદાવંદે આલમે પહેલા તબક્કામાં મોઅમીનોને તકવા ધારણ કરવાનો હુકમ આપ્યો છે અને આ હુકમ એ બધાંજ લોકોને આવરી લે છે કે જેઓ શકય છે કે મુત્તકી ન હોય એટલે કે આ સંબોધનથી મુરાદ ગુનાહ કરનાર લોકો છે કે જેઓથી ભુલ થવી શકય છે અને આ આયત એ બાબતને સાબિત કરે છે કે આ પ્રકારના ભુલ કરનાર લોકો હંમેશા એવા લોકોની સાથે રહે કે જેઓ ગુનાહથી પાક છે કે જેથી કરીને ભુલ-ચુકથી તેમનું રક્ષણ કરે અને આ બાબત દરેક ઝમાનાને આવરી લે છે. ફકત પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનાથી મખ્સુસ નથી. (તફસીરે કબીર, ભાગ-16, પાના નં. 220)
રાઝીના શબ્દો વખોડવાલાયક છે:
ફખ્રે રાઝીની આ કોઈ નવી ભુલ નથી. બલ્કે ઘણી જગ્યાએ તેમણે પોતાના અભિપ્રાયમાં ભુલો કરી છે અને મુફસ્સીરે કુરઆન અને મોઅલ્લીમે કુરઆનથી હટીને ચાલનારાઓની આજ ખાસીયત હોય છે. ફખ્રે રાઝીએ આયતે કરીમાની તફસીરમાં અર્ધ ભાગ સુધી આપણી સાથે ચાલવાની કોશીશ કરી છે અને આયતની દલીલને આજ મતલબમાં સ્વિકારી છે કે મઅસુમ લોકોની સાથે રહેવાથી અને તેમનું અનુસરણ કરવાથી અને તેમની પાછળ ચાલવાથી ગુનાહો અને ભુલોથી બચી શકાય છે પરંતુ તેમણે ‘સાદેકીન’ સાચાઓને સંપૂર્ણ ઉમ્મત માટે લાગુ કર્યો છે અને કહે છે કે ‘અમારો દ્રષ્ટિકોણ એ છે કે સંપૂર્ણ ઉમ્મત સામુહિક રીતે મઅસુમ છે અને તમે (શીઆ) લોકો કહો છો કે ઉમ્મતમાંથી કોઈ એક વ્યકિત મઅસુમ હોય છે અને કહે છે કે અમે કહીએ છીએ કે બીજો કૌલ બાતીલ છે એટલા માટે કે ખુદાવંદે આલમે મોઅમીનોમાંથી દરેક ઉપર વાજીબ કરેલ છે કે તેઓ સાચાઓની સાથે રહે. આ ત્યારેજ થઈ શકે છે કે જ્યારે ઈન્સાન તે ‘સાદિક’ના બારામાં ઈલ્મ અને જાણકારી ધરાવતો હોય. એમ નહીં કે મુળભુત રીતે તેને ન ઓળખી શકાતો હોય. અગર કોઈ વ્યકિતને હુકમ આપવામાં આવે છે કે તે એક માણસ કે જે ‘સાચો’ છે, તેનાથી જોડાઈ જાય અથવા તેની સાથે થઈ જાય. તો આ હુકમ ‘મા લા યોતાક’ (ક્ષમતા કરતા વધારે જવાબદારી આપવી) કહેવામાં આવશે. એટલે કે ઈન્સાન જે બાબત ઉપર અમલ કરવાની તાકત નથી ધરાવતો, તેનો તેને હુકમ આપવામાં આવી રહ્યો છે અને આ અક્લથી વિધ્ધ છે.
કારણકે આપણને નથી ખબર કે આપણામાંથી કોણ ઈસ્મત, પાકીઝગી અને ઈલ્મથી જોડાયેલા છે. જેમકે દરેક માટે સ્પષ્ટ છે, તેથી આ આધારે કહી શકાય કે كونوامع الصادقين માં કોઈ એક ચોક્કસ વ્યકિતની સાથે થઈ જવાનું અને તેનું અનુસરણ કરવાનો હુકમ આપવામાં નથી આવ્યો.
(તફસીરે કબીર, ભાગ-16, પાના નં. 240)
જવાબ: સૌથી પહેલી વાત એ છે કે અમે એ અકીદો ધરાવીએ છીએ કે દરેક ઝમાનામાં એક મઅસુમ શખ્સનું અસ્તિત્વ હોવું જરી છે. લુત્ફના કાયદા પ્રમાણે તે બાબત જરી છે કે ખુદાવંદે આલમ દરેક શકય રીતે તે મઅસુમ શખ્સની ઓળખ લોકોને કરાવે. જેમકે દરેક ઝમાનામાં તેણે અંબીયા અને મુરસલીનની ઓળખ લોકોને કરાવી. અગર તેમ ન હોત તો લોકોને કેવી રીતે ખબર પડત કે આ વ્યકિત ખુદાવંદે આલમ તરફથી પ્રતિનિધિ અને મઅસુમ બનીને આવ્યા છે. જેમકે હઝરત નુહ (અ.સ.), હઝરત મુસા (અ.સ.) અને હઝરત ઈસા (અ.સ.). જેમને દલીલો અને મોઅજીઝા થકી લોકોને ઓળખાવ્યા, એજ પ્રમાણે આપ (સ.અ.વ.) પછી જે આપના ઈલ્મ અને મઆરીફના વારસદાર બન્યા અને જેમની છાતીમાં પયગમ્બર (સ.અ.વ.)નું ઈલ્મ ટ્રાન્સફર થયુ, અલ્લાહે તેમને પણ ખાસ નિશાનીઓ વડે લોકો સમક્ષ રજુ કરે છે કે જેમની અલગ તરી આવતી સિફતો અને તેમના અખ્લાક અને ચારિત્ર્ય આપ (સ.અ.વ.)ની જેવા છે, તેથી તેઓ નબી તો નથી પરંતુ પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન બનીને આપ (સ.અ.વ.)ની જવાબદારીઓ પૂર્ણ કરી રહ્યા છે કે જેમની ઈસ્મત માટે કુરઆનની નસ્સ અને પયગમ્બર (સ.અ.વ.)ની હદીસો બન્ને ફિરકાઓ દરમ્યાન મૌજુદ છે, દલીલ કરે છે. જેનો અભ્યાસ કરવાથી આ બાબત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આપ (સ.અ.વ.) પછી ‘સાચા’ અને મઅસુમ વ્યકિતઓ એક પછી એક કોણ છે? તેઓજ છે કે જેમના સિલસિલાની પહેલી કડી હઝરત અલી બીન અબી તાલિબ (અ.સ.) અને છેલ્લા ઈમામ મહદી (અ.સ.) છે.
બીજી બાબત એ કે ફખ્રે રાઝીના નજરમાં સંપૂર્ણ ઉમ્મત સામુહિક રીતે મઅસુમ છે તો આ બાબતમાં આ અરજ છે કે સમગ્ર ઉમ્મતના મઅસુમ હોવાની માન્યતા અત્યંત કમઝોર અને અક્કલને અસ્વિકાર્ય બાબત છે અને તેનો કોઈ અર્થ જ નથી થતો. કારણકે સામૂહિક ઉમ્મત કોઈ એવો સમુહ તો નથી કે જે ચોથા આસ્માનથી અથવા ઝમીનના કોઈ તબક્કામાંથી અસ્તિત્વમાં આવ્યો, જ્યારે કે તે આ સમુહ ઉમ્મતના લોકો જ હોય છે કે જે તેને સમુહનું સ્વપ આપે છે અને આ ફખ્રે રાઝીના કહેવા પ્રમાણે જેનો કોઈપણ વ્યકિત ઈસ્મતના સ્થાન ઉપર આવી શકતો નથી એટલે કે ઉમ્મતનો કોઈ એક વ્યકિત મઅસુમ હોય તેવો દ્રષ્ટિકોણ સ્વિકારતા નથી બલ્કે સંપૂર્ણ ઉમ્મત મઅસુમ છે, તો પછી ઉમ્મતનો સમુહ પણ લોકોથીજ તો બને છે. બીજા શબ્દોમાં એક તરફ તેઓ એવું માને છે કે કોઈ એક વ્યકિત મઅસુમ નથી તો સમૂહનું પછી કેવી રીતે ઈસ્મતના સ્થાન ઉપર આવવું સાચું થઈ જશે? તેથી ફખ્રે રાઝી ખુદ પોતે સમજી નથી શકયા કે તેઓ શું કહી રહ્યા છે? આ રીતે ફખ્રે રાઝીનો દ્રષ્ટિકોણ રદ થઈ જાય છે અને આપણો દ્રષ્ટિકોણ દલીલો, સ્પષ્ટ નિશાનીઓ, હદીસો અને નસ્સની રોશનીમાં સાબિત અને આધારભૂત છે.
રિવાયતોનો અભ્યાસ:
અગર ઈસ્લામી રિવાયતો તરફ રજુ થઈએ તો આ બાબત ખુબજ સારી રીતે પ્રકાશિત થઈ જાય છે કે આયતમાં સાદેકીનથી મુરાદ એહલેબૈતે ઈસ્મત અને તહારત મુરાદ છે અને ફકત અને ફકત તેઓજ તેના હકીકી મિસ્દાક છે.
- આયતની તફસીરમાં હાકીમે હસ્કાનીએ અબ્દુલ્લા બિન ઉમરથી નકલ કરેલ છે કેاِتَّقُوالله માં અલ્લાહ તઆલા એ પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ના તમામ સહાબીઓને અલ્લાહથી ડરવાનો હુકમ આપ્યો છે. ત્યાર પછી તે લોકોને સંબોધીને ફરમાવ્યું છે કે كونوامع الصادقين એટલેકે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અને તેમના એહલેબૈતે તાહેરીનની સાથે થઈ જાઓ. (શવાહેદુત્તન્ઝીલ 1/34)
- બુરૈર બિન મોઆવીયા અજલી કહે છે કે: મેં ઈમામે મોહમ્મદ બાકીર (અ.સ.)થી આયતاتقوالله وكونوامع الصادقين વિષે સવાલ કર્યો તો ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:
‘અલ્લાહે ફકત અમારી જ ઈતાઅતનો ઈરાદો જાહેર કર્યો છે.’
(ઉસુલે કાફી, ભાગ-1, પાના નં. 208)
- હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) એક ડીબેટમાં ફરમાવે છે:
‘હું તમને બધાને અઝીમ ખુદાની કસમ આપું છું કે તમે બતાવો કે શું તમને ખબર છે કે જ્યારે આ આયત يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ નાઝીલ થઈ તો આપ (સ.અ.વ.) એ શું ફરમાવ્યું? તે વખતે આપ (સ.અ.વ.)થી કોઈએ પુછયું કે શું આ આયત બધાજ લોકો માટે છે કે અમૂક ખાસ લોકો માટે? તો આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું કે મોઅમીન લોકો તેનાથી સામાન્ય રીતે મુરાદ લેવામાં આવ્યા છે કે તેમને (તકવા અને સાચાઓની સાથે થઈ જવાનો) હુકમ આપવામાં આવ્યો છે, પરંતુ ‘સાદેકીન’ થી મુરાદ મારા પછી ખાસ ઈમામ અલી (અ.સ.) અને (તેમની ઔલાદમાં) કયામતના સુધીના વસીઓ છે.
(ફરાએદુસ્સીમતૈન, ભાગ-1, પા. 312, કમાલુદ્દીન, પા. 264, બેહાર, ભાગ-33, પા. 149)
- સિબ્તે ઈબ્ને જવ્ઝી હનફી કહે છે: તફસીરકારોએ સ્પષ્ટતા કરી છે કે આ આયતથી મુરાદ એ છે કે તમે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમના એહલેબૈત (અ.મુ.સ.)ની સાથે રહો. (તઝકેરતુલ ખવાસ, પા. 16)
વિરોધી હદીસોનું વિશ્લેષણ:
એહલે સુન્નત હઝરાતને ત્યાં અમૂક હદીસોમાં ‘સાદેકીન’થી મુરાદ અબુબક્ર અને ઉમરના બારામાં તફસીર કરવામાં આવી છે. ઈબ્ને અસાકીરે ઝહાકથી રિવાયત નકલ કરી છે કે તે ‘સાદેકીન’ની સાથે થઈ જવાનો હુકમ આપવાથી મુરાદ અબુબક્ર અને ઉમરની સાથે થઈ જવું એમ થાય છે.
(તારીખે મદીનએ દમીશ્ક, ભાગ-3, પા. 310)
જવાબ: આ બાબતમાં ટુંકાણમાં ફકત બેજ બાબતો રજુ કરીએ છીએ.
- સૌ પ્રથમ તો આ પ્રકારની રિવાયતોની સનદોમાં જુબૈર બીન સઈદે અઝદી જેવો રાવી આવ્યો છે કે જેના બારામાં ઈબ્ને હજરે ‘તેહઝીબુત તેહઝીબ’માં ઘણા બધા ઈલ્મે રેજાલના આલીમો જેમકે ઈબ્ને મોઈન, અબુ દાઉદ, ઈબ્ને અદી, નિસાઈની તરફથી આ રાવીના ઝઈફ હોવાના બારામાં નોંધ્યુ છે અને બીજી સનદમાં ઈસ્હાક બીન બશ્રે કાહેલી જેવો રાવી જોવા મળે છે કે ઝહબીએ ઈબ્ને અબી શય્બા, મુસા બીન હાન, અબુ ઝરઅ અને દારે કુત્નીના વર્ણન પ્રમાણે તેને જુઠી હદીસો ઘડનાર દર્શાવ્યો છે.
(મિઝાનુલ એઅતેદાલ, ભાગ-1, પા. 186)
બીજી વાત એ કે અગાઉ વર્ણવેલી ભરોસાપાત્ર અને બન્ને ફિરકાઓ દરમ્યાન સર્વસમંત હદીસો થકી એ સાબિત થઈ ગયું છે કે ‘સાદેકીન’થી મુરાદ અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) છે અને તેઓજ આપ (સ.અ.વ.)ની પછી પવિત્ર વસીઓનો સિલસિલો છે અને ઈતિહાસ, તફસીર અને જીવન ચરિત્ર્યની કિતાબો તરફ રજુ થવાથી માલુમ પડે છે કે તે બંને અબુબક્ર અને ઉમરના જીવન ચરિત્ર્ય અને રિત-ભાતથી પણ એ સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ મઅસુમ હોવાની વાત તો દુરની છે પરંતુ ઈમાન, અદ્લ, અખ્લાક અને ચારિત્ર્યના સૌથી ઉતરતી કક્ષાએ પણ ન હતા, એટલુંજ નહિં પરંતુ ઐતિહાસિક અને જીવન ચારિત્રના પુસ્તકોમાં તેમનું ગાસીબ હોવું, ઝાલીમ હોવું ત્યાં સુધી કે તેમનું કાફીર હોવું પણ સાબિત થાય છે. પરવરદિગારની ઝાત આ બાબતથી ઘણીજ ઉચ્ચ અને મહાન છે કે તે આવી વ્યકિતની સાથે થઈ જવાનો હુકમ આપે.
ખુદાવંદે કરીમ! તારી બારગાહમાં દર્દભરી અને આજેઝી સાથે દોઆ કરીએ છીએ કે ‘સાદેકીન’ના મિસ્દાકના છેલ્લા મઅસુમ વ્યકિત હઝરત હુજ્જત ઈબ્નીલ હસન અલ અસ્કરી (અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કર કે જેથી કરીને સમગ્ર દુનિયાને સાચાઓની સાથે થઈ જવાનો મૌકો પ્રાપ્ત થાય. આમીન.