અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત- આયએ સાદેકીનની રોશનીમાં (પ્રથમ ભાગ)

વાંચવાનો સમય: 5 મિનિટ

રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોમાં બે વિચારસરણીમાં સૌથી જટિલ અને સૌથી મોટો વિરોધાભાસ મુસલમાનોની દીની અને દુન્યવી હિદાયત અને રેહનુમાઈના બારામાં છે. એહલે સુન્નતની દ્રષ્ટિએ આપ (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોની હિદાયત અને રેહનુમાઈ માટે એહલે હલ્લ વ અક્દ મુસલમાનોમાંથી જેની પસંદગી કરી લે, ઈમામત માટે જેની બયઅત કરી લેવામાં આવે અથવા તો માણસ પોતેજ પોતાની તાકતથી ખિલાફત ઉપર કબ્જો કરી લે તો તેની ઈતાઅત વાજીબ છે અને તેનો વિરોધ કરવો હરામ છે. એહલે સુન્નતના મોટાભાગના લોકો આ બાબતને સ્વિકારે છે, જ્યારે કે શીઆઓ ઈસ્લામી ઉસુલો અને અકીદાની બુનિયાદ ઉપર આ અકીદો ધરાવે છે કે આપ (સ.અ.વ.) એ પોતાની પાકીઝા ઝીંદગીમાં અલગ અલગ જગ્યાએ અને વિવિધ પ્રકારે મુસલમાનોની દીની હિદાયત અને રેહનુમાઈ માટે પોતાના પછી હઝરત અલી બિન અબી તાલિબ (અ.સ.) અને તેમની પાક ઔલાદની ઈલાહી હોદ્દા ઈમામત અને ખિલાફત માટે અલ્લાહ તબારક વ તઆલા તરફથી નિયુકતિ અને નિમણુંક કરી દીધી હતી. આથી આપ (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોની સાચી દીની અને દુન્યવી માર્ગદર્શન અને રેહનુમાઈ અને ઈમામત અને હિદાયતનો હક્ક ફકત એહલેબૈત (અ.મુ.સ.)ને પ્રાપ્ત છે કે જેના માટે કુરઆને કરીમની અસંખ્ય આયતો અને આપ (સ.અ.વ.)ની તરફથી બયાન થયેલી ઘણી બધી નસ પુરાવો આપે છે.

કુરઆને કરીમમાં અને નબી (સ.અ.વ.)ની નસ્સમાં એહલેબૈત (અ.મુ.સ.)ને દીની મરજઈય્યત અને હુકુમતનો હક્ક અતા કરવામાં આવ્યો છે. આ બાબતમાં વિસ્તારથી ચર્ચા-વિચારણા માટે ઈમામતની કિતાબો તરફ રજુ થવું જોઈએ. અહિં આપણે ફકત કુરઆનથી નસ્સ અને એહલેબૈત (અ.મુ.સ.)ની ઈમામત અને દીની મરજઈય્યતના વિષય ઉપર ફકત આયએ ‘સાદેકીન’ના બારામાં ચર્ચા કરવા ઈચ્છીએ છીએ. વાંચકોને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે.

 

ખુદાવંદે મોતઆલ સુરએ તૌબાની 119 મી આયતમાં ફરમાવે છે:

يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوْا اتَّقُوْا اللهَ وَكُوْنُوْا مَعَ الصَّادِقِيْنَ

અય ઈમાનવાળાઓ! અલ્લાહથી ડરો અને સાચાઓની સાથે થઈ જાઓ.

ખુદાવંદે આલમે આ આયતમાં મોઅમીનોને સાચાઓની ઈતાઅત અને ફરમાંબરદારી કરવાનો હુકમ કર્યો છે. સદાકત અને સચ્ચાઈની ઝીંદગી વિતાવવી અલગ બાબત છે અને સાચાઓની ઈતાઅત કરવી અલગ બાબત છે. સાદેકીન અને આ સાચા લોકો કોણ છે? અને તેમની શું વિશિષ્ટતાઓ છે? હવે પછીના પેરેગ્રાફમાં તેની ચર્ચા થશે.

સિદ્કનો અર્થ:

શબ્દકોષના લેખકોએ તેના અમૂક અર્થો જણાવ્યા છે.

  1. ખલીલ બિન એહમદ કહે છે કે દરેક સંપૂર્ણ વસ્તુને સિદ્કથી વર્ણવાય છે.
  • ઈબ્ને મન્ઝુરે શબ્દ ‘સિદ્ક’ માટે વિવિધ પ્રકારના ઉપયોગ અને અર્થની તરફ નિર્દેશ કરેલ છે

(અલ અય્ન: માદહ સિદ્ક)

અ) સાચું જે જુઠની વિરૂધ્ધ વપરાય છે.

બ) સાચો માણસ જે ખરાબ માણસના સામે વાપરવામાં આવે છે.

ક) સિદ્ક કપડું એટલે સાદુ કાપડ.

ડ) સાચો માણસ.

હ) તે ઈન્સાન કે જે સારા અખ્લાક ધરાવતો હોય અને આશાવાદી હોય.

(લેસાનુલ અરબ, ભાગ-10, પાના નં. 193-196)

રાગીબે ઈસ્ફેહાની કહે છે: જાહેરમાં અને છુપી રીતે નેક અને પસંદીદા કાર્યો સાચાના અર્થમાં વપરાય છે અને જેનામાં આ સિફત હોય તેને સાચો કહેવામાં આવે છે.

શબ્દ ‘સાચો’ કુરઆનની પરિભાષામાં:

કુરઆને કરીમમાં ‘સિદ્ક’ શબ્દ અમૂક બાબતો માટે વાપરવામાં આવ્યો છે.

  1. કદમની સિફત:

وَبَشِّرِ الَّذِيْنَ آمَنُوْا أَنَّ لَهُمْ قَدَمَ صِدْقٍ عِنْدَ رَبِّهِمْ

અને તે લોકો કે જેઓ ઈમાન ધરાવનારા છે તેઓને ખુશખબર આપી દયો કે તેમના પરવરદિગારની પાસે તેમના માટે સૌથી ઉચ્ચ દરજ્જો છે. (કદમ – મરતબા અને ફઝીલતને કહે છે. સિદ્ક તેની સિફત છે)              (સુરએ યુનુસ, આયત નં. 2)

  1. મકાન અને મરતબાની સિફત:

અ) وَلَقَدْ   بَوَّأْنَا   بَنِي   إِسْرَائِيلَ مُبَوَّأَ صِدْقٍ

અને અમે બની ઈસરાઈલને શ્રેષ્ઠ દરજ્જો અતા કર્યો છે.     (સુરએ યુનુસ, આયત નં. 93)

બ) فِي مَقْعَدِ صِدْقٍ عِنْدَ مَلِيْكٍ مُّقْتَدِرٍ

તે પાકીઝા સ્થાન ઉપર કે જે શકિતશાળી બાદશાહની બારગાહમાં છે.

(સુરએ કમર, આયત નં. 55)

  1. દાખલ થવાના અને બહાર નિકળવાની સિફત:

وَقُل رَّبِّ أَدْخِلْنِي مُدْخَلَ صِدْقٍ وَأَخْرِجْنِي مُخْرَجَ صِدْقٍ

અને અય પયગમ્બર! કહો, પરવરદિગાર મને (દરેક કાર્યોમાં) સચ્ચાઈની સાથે દાખલ કર અને સચ્ચાઈની સાથેજ બહાર કાઢ.

(સુરએ બની ઈસ્રાઈલ, આયત નં. 80)

અને આ ઉપરાંત ઈન્સાનનું અલગ અલગ રીતે નેકીઓની સાથે થઈ જવાને પણ કુરઆને કરીમે શબ્દ સાચાથી વર્ણન કરેલ છે અથવા તો વાયદા પ્રમાણે અમલ કરવાને પણ શબ્દ સાચા વડે ઉપયોગ કરવામાં આવ્યો છે.

કુરઆનમાં અલગ અલગ વિષયો હેઠળ શબ્દ ‘સિદ્ક’ વાપરવામાં આવ્યો હોવાથી આ બાબત વિષે વિશેષ રીતે ખબર પડે છે કે શબ્દ ‘સિદ્ક’ ખૂબજ વિશાળ અર્થ ધરાવે છે. તે ફકત વાતચીત, ચર્ચા અથવા કોઈ ખબરની હદ સુધી મર્યિદિત નથી, બલ્કે તે ઈન્સાનનો સ્વભાવ, વિચારો અને ઈન્સાનની રફતાર અને ચારિત્ર્યને પણ આવરી લે છે.

આયતમાં સાદેકીનથી મુરાદ:

આયતના વિશે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે સાદેકીનથી મુરાદ એ લોકો છે કે જેઓ વાતચીત અને વર્તણુંકમાં સાચા છે, પરંતુ કુરઆનમાં અલગ અલગ પાસાથી આ શબ્દ વાપરવામાં આવ્યો છે અને તેના વિશાળ અર્થને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો તે એવો એક અર્થ પોતાની અંદર ધરાવે છે કે જે ‘ઈસ્મત’ના અર્થથી મળતો આવે છે. એટલા માટે કે:

  1. જે બાબત જરૂરી અને આવશ્યક છે તે એ છે કે ઈન્સાન જુઠુ બોલવાથી બચે અને સાચો ઈન્સાન બને. પરંતુ સાચા લોકો સાથે થઈ જવું તે તો શરીઅતના કોઈપણ વાજીબ હુકમમાં શામેલ નથી. એહકામે શરીઅતમાં કોઈ એવો વાજીબ ઝીક્ર બયાન નથી કરવામાં આવ્યો કે જેમાં એમ કહેવામાં આવ્યું હોય કે સાચા લોકોની સાથે થવું એ શરીઅતનો એક વાજીબ હુકમ છે અથવા તો શરઈ હુકમ છે. જ્યારે કે આયતમાં સાચા લોકોની સાથે થઈ જવાને આજ્ઞાર્થવાચક ક્રિયાપદ બયાન કરવામાં આવ્યું છે જે ‘વાજીબ’ ના અર્થમાં હોવા   બાબતે દલીલ પેશ કરે છે.
  2. كونوامع الصادقينઆ વાકય اتقوالله  ના સંદર્ભમાં વર્ણવવામાં આવ્યું છે, જે અલ્લાહનો તકવા રાખવાનો હુકમ આપે છે અને તે વાજીબ હુકમના અર્થમાં આવ્યો છે અને તકવાને પણ સામાન્ય અર્થમાં વર્ણવવામાં આવ્યો છે.

આ આધારે આ વાત કહી શકાય કે કુરઆનમાં શબ્દ ‘સાચા’ એક વિશાળ અર્થની સાથે વર્ણન થયાનું દર્શાવે છે કે તેમાં વિચારધારા, અખ્લાક, રફતાર અને ચારિત્ર્ય પણ શામીલ છે અને કારણકે સાચા લોકોની સાથે થઈ જવાનું આ આયતે કરીમમાં વાજીબના બંધન સાથે વર્ણવવામાં આવ્યું છે, તો આનાથી એ પરિણામ નિકળે છે કે સાચા લોકોની સાથે થઈ જવાનો હેતુ ફકત ભૌતિક રીતે નજદીક થઈ જવું અને સંગાથ કેળવવો નથી પરંતુ દરેક તે વસ્તુમાં નઝદીકી અને સંગાથ પ્રાપ્ત કરવો જેમાં સચ્ચાઈ, ક્ષતિહીનતા અને યોગ્યતા જોવા મળતી હોય.

આયતમાં ‘સાદેકીન’ના મિસ્દાક:

પવિત્ર આયતમાં ‘સાદેકીન’ના મિસ્દાકના બારામાં બે શકયતા જોવા મળે છે.

  1. ‘સાદેકીન’થી મુરાદ સામાન્ય મોઅમીનો છે.
  • તેનાથી અમૂક ખાસ મોઅમીનો મુરાદ છે.

પહેલી ધારણા અક્કલની વિરૂધ્ધ છે અને આ ઉપરાંત આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું છે:

كَثُرَتْ عَلَيّ الكَذَّابَةُ …

જે લોકો મારી તરફ જુઠની નિસ્બત આપે છે, તેઓ ખૂબ વધારે છે.’

(સહીહ બુખારી, ભાગ-1, પાના નં. 3, કિતાબુલ ઈલ્મ)

પરંતુ બીજી ધારણા હકીકત અને વિજદાન (અનુભૂતિ) તથા હકીકત અને વાસ્તવિકતા સાથે સંબંધ ધરાવે છે અને જે બાબતો અગાઉ ચર્ચા થઈ ચૂકી છે કે શબ્દ ‘સાચા’થી તમામ કાર્યોમાં સંપૂર્ણપણે સચ્ચાઈ મુરાદ છે તેનાથી પણ સુસંગત છે આ ધારણા અને આ અર્થ ફકત મઅસુમો માટે જ સાચો ઠરે છે.

‘સાદેકીન’થી મુરાદ કુરઆનના મુફસ્સીર અને શિક્ષક પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના સાચા જાનશીન, કુરઆન અને શરીઅતના અમીન, દીને ઈસ્લામની હિમાયત તેમજ હિદાયત કરનારા, અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) છે. આજ એ પાક હસ્તીઓનો સિલસિલો છે કે જેમનાથી ખુદાવંદે આલમે દરેક પ્રકારની નજાસતો અને ગંદગીને દૂર રાખીને પાકો પાકીઝા રાખેલ છે, જેની પહેલી મઅસુમ કડી હઝરત અમીરૂલ મોઅમેનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) છે અને છેલ્લી કડી હઝરત ઈમામ મહદી (અ.ત.ફ.શ.) છે.

અલ્લામા બેહબહાની ફરમાવે છે કે ‘સાદેકીન’થી મુરાદ બાર મઅસુમ ઈમામો છે અને જેમકે બન્ને ફિરકાઓને ત્યાં પણ આ વાત વર્ણવાએલ છે કે જેની દલીલ આ છે કે અગર પવિત્ર આયતમાં ‘સાદેકીન’ના વિષયમાં સાચાથી મુરાદ સંપૂર્ણ સત્ય અને સચ્ચાઈ હોત કે જેમાં દરેક દરજ્જા અને તબક્કાના લોકોનો સમાવેશ હોતે તો પછી આયતમાં وَكُوْنُوْامَعَ الصَّادِقِيْنَ માં مَعَ ની જગ્યાએ مِنْ નો સંદર્ભ આવવો જોઈતો હતો, જેનો અર્થ થાત કે દરેક મુસલમાનો માટે જરૂરી છે કે તેઓ સાચા લોકોમાંથી થઈ જાય અને જુઠથી દૂર રહે. مع الصادقين નો શબ્દ આ મુદ્દાને સ્પષ્ટ કરે છે કે સિદ્કથી ખાસ, વિશિષ્ટ દરજ્જો અને મન્ઝેલત મુરાદ છે અને ‘સાદેકીન’થી મુરાદ ખાસ અને વિશિષ્ટ ઉચ્ચતા અને ફઝીલત ધરાવનાર વિશેષ લોકો છે. સિદ્કનો સંપૂર્ણ દરજ્જો અને ફઝીલત તે જ ઈસ્મત અને તહારત છે. જેને પ્રાપ્ત કર્યા પછી ઈન્સાનની રીતભાત અને ચારિત્ર્યમાં ખરા અર્થમાં સચ્ચાઈ અને યોગ્યતા સંપૂર્ણ રીતે પ્રસ્થાપિત થઈ જાય છે. અગર ‘સાદેકીન’ ‘સાચા’થી અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) સિવાય બીજું કોઈ મુરાદ હોત તો આયતે તત્હીર અને દરેક બીજી નસ્સો અને દરેક મુસલમાનોના એકમત હોવાના આધારે ઉમ્મતમાં એક મઅસુમનું હોવું જરૂરી છે, તેથી આનો સ્પષ્ટ અર્થ એ થશે કે બધાંજ લોકો ત્યાં સુધી કે મઅસુમ ઈમામ માટે પણ ગૈરે મઅસુમનું અનુસરણ કરવું જરૂરી અને વાજીબ થઈ જશે જ્યારે કે આ બાબત અક્લી રીતે ખરાબ છે. તેથી આ દરજ્જો અને ફઝીલત ઈસ્મત અને તહારતના ખાનદાન એટલેકે મઅસુમીન (અ.સ.) સિવાય બીજા કોઈને માટે યોગ્ય નથી.

અને બીજી દલીલ એ છે કે ખુદાવંદે આલમે આયતની શરૂઆતમાં બધાજ મોઅમીનોને તકવા હાસીલ કરવાનો અને ગુનાહોથી દૂર રહેવાનું આમંત્રણ આપ્યા પછી ‘સાચાઓની’ સાથે થઈ જવાનો હુકમ આપ્યો છે અને આ બાબત ચોક્કસ છે કે તેમનો સાથ ત્યારે જ મળી શકે જ્યારે તેમની ઈતાઅત કરીએ અને તેમનો વિરોધ કરવાથી બચીએ અને ખરેખર તો ઈમામતનો અર્થ એજ છે કે મામુન ઈમામની ઈતાઅત કરે.

(મિસ્બાહુલ હિદાયહ, પા નં. 92-93)

ગો ટૂ ટોચ