હદીસે ગદીરમાં વિલાયતનો અર્થ સાહિત્યકારો અને શાએરોની નઝરમાં ભાગ-૪

વાંચવાનો સમય: 8 મિનિટ

الحمد للہ وسلامٌ علیٰ عباد الّذین اصطفیٰ

અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં સેંકડો શુક્ર અદા કરીએ છીએ કે તેણે ફરી ઝીંદગી અતા કરી અને આ વર્ષે એટલે કે હી.સ. ૧૪૪૪ માં મેગેઝીન ‘આફતાબે વિલાયત’માં ઉપરોકત વિષય હેઠળનો ચોથો ભાગ રજુ કરવાની તૌફીક અતા ફરમાવી.

ગયા વર્ષે એટલે કે હી.સ. ૧૪૪૩ માં “આફતાબે વિલાયત’ના પાના નં. ૧૯ થી રપ ઉપર આજ વિષયનો ત્રીજો ભાગ રજુ કર્યો હતો.

ગયા વર્ષના લેખનો ખુલાસો ટૂંકમાં એ છે કેઃ

હિદાયતના ઈમામો (અ.મુ.સ.) અને મઝહબે ઈમામીયાના આલીમોએ શબ્દ “મૌલા’નો અર્થ ઈસ્લામની શરૂઆતના અરબો અને તેમની પછી આવનારા તેમના વંશના અરબોએ જે અર્થ લીધો હતો તે જ અર્થ બયાન ફરમાવ્યો છે.

શબ્દ ‘મૌલા’નો અર્થ નામાંકિત સાહિત્યકારો અને શાએરોએ પોતાના અશ્આર અને બયાનમાં પણ તે જ વર્ણન કર્યો છે કે જેને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ખુદાવંદે આલમના હુકમથી બયાન ફરમાવ્યો છે.

શોઅરાએ ગદીરની હદીસને યોગ્ય કાફીયાની સાથે શેઅરના સ્વરૃપે રજુ કર્યો છે. જે ગદીરની હદીસ મુસ્તનદ હોવાનું સાબીત કરે છે.

આ લેખનો સ્ત્રોત કિતાબ “અલ ગદીર ફીલ કિતાબે વસ્સુન્નતે વલ અદબે’ છે. જે અલ ગદીરના નામથી પ્રખ્યાત છે. આ કિતાબના લેખક શૈખ અબ્દુલ હુસૈન એહમદ અલ અમીની કુદ્સ સર્રાહ છે કે જેઓ અલ્લામા અમીની (અ.ર.)ના નામથી પ્રખ્યાત છે. આ કિતાબને અરબી ભાષામાં લખવામાં આવી હતી. આ સમગ્ર કિતાબનો તરજુમો ફારસી ભાષામાં અને કિતાબના અમુક ભાગોનો ટૂંકમાં તરજુમો ઉર્દૂ તથા અંગ્રેજી ભાષામાં થઈ ચુકયો છે.

અલ્લામા અમીની (અ.ર.) અને કિતાબ અલ ગદીરનો ટૂંકો પરિચય “આફતાબે વિલાયત’ મેગેઝીન હી.સ. ૧૪૪૧ માં રજુ કરવામાં આવ્યો હતો.

અગાઉના લેખોમાં શેઅર અને શાએરોનું મહત્વ અઈમ્મા (અ.મુ.સ.) અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ઝબાનથી બયાન કરવામાં આવ્યું હતું. શાએરોના ઉત્સાહ અને રગબત માટે અઈમ્મા (અ.મુ.સ.)ની મુબારક ઝબાનથી આ પ્રમાણેના શબ્દો જોવા મળે છેઃ

જે કોઈ શેઅરની એક પંક્તિ અમારા બારામાં કહે ખુદાવંદે આલમ તેના માટે જન્નતમાં એક ઘર બનાવે છે.’[1]

અગાઉના અંકોમાં પહેલી સદી હીજરીના શાએરો જેમકે હસ્સાન બીન સાબીત અને કૈસ બીન ઓબાદા અન્સારીના અશ્આરનું વર્ણન કરવામાં આવ્યું હતું કેજેઓ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના ખાસ સહાબીઓ હતા. હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના અશ્આર પણ લખવામાં આવ્યા. પછી અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના દુશ્મન અમ્ર ઈબ્ને આસ, વફાત હી.સ. ૪૩ ના એક અશ્આર

કસીદએ જુલજુલીય્યહનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું. જો કે કસીદએ જુલજુલીય્યહના તમામ ૬૬ અશ્આરનો તરજુમો અને શરહ આફતાબે વિલાયતના હી.સ. ૧૪૩૫ ના અંકમાં કરી ચૂકયા છીએ. પછી પહેલી સદીના શાએર મોહમ્મદ હુમૈરીના અશ્આરનું વર્ણન કરવામાં આવ્યું હતું.

હવે ત્રીજી સદીના શાએરો અને તેમના અશ્આરનું વર્ણન કરી રહ્યા છીએઃ

મર્હુમ અલ્લામા અમીની (અ.ર.)એ ત્રીજી સદી હીજરીના ત્રણ શાએરોનું વર્ણન કર્યું છેઃ

૧) કુમૈત બીન ઝય્દ અસદી

ર) સૈયદ ઈસ્માઈલ બીન મોહમ્મદ હુમૈરી

૩) અબદી સુફીયાન બીન મુસ્હબ કુફી

આપણે અહીંયા ટૂંકાણને ધ્યાનમાં રાખીને કુમૈત અસદીના જીવનચરિત્રનું ટૂંકમાં અને તેમના અશ્આરનું

વર્ણન કરીશું.

અબુલ મુસ્તહલ કુમૈત (હી.સ. ૬૦ થી ૧૨૬):

અબુલ મુસ્તહલ કુમૈત બીન ઝય્દ બીન ખુનૈસ બીન મુખાલીદ બીન વહેબ બીન અમ્ર બીન શૈખ બીન માલીક બીન સઅદ બીન સઅલ્બા બીન દોદાન બીન અસદ બીન ખુઝૈમા બીન મદરકા બીન ઈલ્યાસ બીન નઝર બીન નઝાર.

અબુલ ફરજે અલ ગાલીમાં લખ્યુ છે કે કુમૈત એક મેઅયારી શાયર એટલે કે જેની પાછળ લોકો ચાલતા હોય અને જેનું અનુસરણ કરવામાં આવતુ હતુ. વ્યાકરણમાં નિપૂણ અને અરબના ઈતિહાસથી માહિતગાર હોય તેવા શાએર હતા. તેઓ “મઝર’ના વંશના શાએરો અને તેઓની ભાષામાં નિપૂણતા ધરાવતા હતા. તેઓ ‘કેહકાનીય્યહ’નું સમર્થન કરનારા અને તે લોકોમાંથી હતા કે જેઓ શાએરોના એબોથી માહિતગાર હંતા અને પ્રવર્તમાન ઝમાનાથી માહિતગાર અને હયાતની કશ્મકશથી પણ માહિતગાર હતા. બની ઉમય્યાના ઝમાનામાં તેઓએ ઝીંદગી પસાર કરી. પરંતુ તેમણે બની અબ્બાસનો ઝમાનો ન જોયો. કુમૈત હાશમી શીઆઓ માટે જાણિતી વ્યક્તિ હતા.

મઆઝ હર્રાઅને પુછવામાં આવ્યું: સૌથી મોટા શાએર કોણ છે? તેણે સવાલ કર્યોઃ જાહેલીય્યતના ઝમાનાના શાએર કે પછી ઈસ્લામી ઝમાનાના શાએર? કહ્યું: પહેલા જાહેલીય્યતના ઝમાનાના શાએરનું નામ બયાન કરો. મઆઝે કહ્યું: ઉમરાઉલ કૈસ, ઝોહૈર, અબીલ બીન અલ અબરસ. પછી પુછયું: ઈસ્લામી ઝમાનાના શાએરોમાં કોણ છે? મઆઝે જવાબ આપ્યોઃ ફરઝદક, જરીર, અખ્તલ રાઈ. તેને ફરી પુછવામાં આવ્યું: અય અબુ મોહમ્મદ! તમે કુમૈતનું નામ શા માટે ન લીધું? મઆઝે જવાબ આપ્યોઃ તેઓ તો આગળના અને પછીના બધા જ શાએરોમાં સૌથી મોટા શાએર હતા.[2]

 

એવી જ રીતે ફરઝદકના બયાનની પણ નોંધ કરવામાં આવી છે કે ખુદ તેમણે કુમૈતને કહ્યું: ખુદાની કસમ! તમે તમામ પસાર થઈ ગયેલા અને હવે પછી આવનારા લોકોમાં સૌથી મોટા શાએર છો.

અશ્આરની સંખ્યાઃ

કુમૈતના અશ્આરની સંખ્યા અલ અગાની અને મોઆઈદે તનસ્સુસ (ર) મુજબ ૫૧૮૯ છે અને કશ્ફુઝ્ઝોનુનમાં ઓયુને અખ્બારના હવાલાથી નોંધાએલુ છે કે કુમૈતના ૫૦૦૦ થી વધારે કસીદાઓ છે સમ્રીએ એકત્ર કર્યા છે અને ઈબ્ને મિસ્કીદે તેને ક્રમવાર ગોઠવ્યા છે.

ચાદ દેહાનીઃ

અલ્લામા અમીની કુદ્દસ સર્રાહે અશ્આરની સંખ્યાની વિગત માટે અમુક રાવીઓના હવાલાઓ આપ્યા છે કે જેઓએ કુમૈતના અશ્આરની સંખ્યાનું વર્ણન કર્યું છે અને તેના વખાણ પણ કર્યા છે. વધુ સંશોધનમાં રસ ધરાવતા વ્યક્તિઓ કિતાબ અલ ગદીર અરબી ભા. ર અને ફારસી ભા. ૪ નો અભ્યાસ કરી શકે છે.

હાશેમીય્યાતે કુમેતઃ

કુમૈતના કસીદાઓ હાશેમીય્યાતે કુમૈત કહેવામાં આવે છે. રદીફના આધારે એટલે કે કસીદએ અયનીય્યતે હાશેમીય્યાત, કસીદએ મયમીય્યતે હાશેમીય્યાત અને કસીદએ બાયઅતે હાશેમીય્યાત, કસીદએ લામીય્યતે હાશેમીય્યાત વિગેરે કહેવામાં આવે છે.

કસીદએ અયનીય્યતે હાશેમીય્યાતઃ

وَ یَوْمَ  الدُّوْحُ،  دَوْحِ  غَدِیْرٍ  خُمٍّ  اَبَانَ  لَہُ  الْوِلَایَۃَ،  لَوْاَطِیْعَا

અને દવ્હના દિવસે દવ્હે ગદીરે ખુમના પ્રસંગે તેમની વિલાયતને ઉજાગર અને જાહેર કરી, અય કાશ! તેનું અનુસરણ કરવામાં આવતે. (વિગતવાર તરજુમો આગળ રજુ કરવામાં આવશે).

وَلٰکِنِ  الرِّجَالَ  تُبَاعُوْہَا  فَلَمْ  اَرَمِثْلَہَا  خَطْرًا  مَبِیْعَا

પરંતુ જે લોકોએ વિલાયતના વાયદાને તોડી નાખ્યો. મેં આનાથી વધારે ખતરનાક વાયદાને તોડવુ  નથી જોયુ.[3]

 

આ અશ્આર હાશેમીય્યાતે કુમૈતના કસીદાનો અમુક ભાગ છે અને જેમકે કિતાબ ‘હદાએકુલ વરદીય્યહ’ના લેખક મુજબ આ ૫૮૭ પંક્તિ ઉપર આધારિત કસીદો છે. પરંતુ દુશ્મનોએ તેના પ્રકાશન અને છાપવામાં ખયાનતથી કામ લીધુ છે અને તેના ઘણા ખરા હિસ્સાને દૂર કરી નાખ્યો છે. આવી જ મુજરીમાના હરકત દિવાને હસ્સાન, દિવાને ફરઝદક અને દિવાને અબુનવાઝ વિગેરેની સાથે પણ કરવામાં આવી છે. હવે તો તેની અસરો પણ ભુંસાઈ ગઈ છે. હવે તો જોઈએ કે કોઈ સંશોધનકાર આ બધી હરકતોનો પર્દાફાશ કરે.

હવાલોઃ

આ કસીદો ઈ.સ. ૧૯૦૪ માં લંડનમાં પ્રકાશિત થયો હતો. જેમાં ૫૩૬ પંક્તિઓ હતી. ઉસ્તાદ મોહમ્મદ શાકીર ખય્યાતની શર્હની સાથે ૫૬૦ પંક્તિઓ અને ઉસ્તાદ રાફેઈની શર્હની સાથે ફકત ૫૪૮ પંક્તિઓ જ બાકી રહી ગઈ.[4]

ચવ્મુદ્ દવ્હનો અર્થઃ

દવ્હનો અર્થ મોટુ ઝાડ ઘણી બધી ડાળીઓની સાથે કે જે ચારેય તરફ ફેલાયેલુ હોય તેવું થાય છે. તેને ઝાડોનો સમુહ પણ કહી શકાય છે. આ પ્રમાણે યવમુદ્દ દવ્હનો તરજુમો કરી શકાય છે કે ‘તે દિવસે કે જ્યારે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ વિલાયતની તબ્લીગ માટે ઝાડોના સમુહના વિસ્તારમાં પોતાને ઉભા રાખ્યા અથવા તો ત્યાં ઉતર્યા.’ એકવાર શેઅરનો તરજુમો આ પ્રમાણે પણ કરી શકાય છેઃ

وَ یَوْمَ  الدَّوْحِ  ، دَوْحِ  غَدِیْرِ  خُمْ

તે ડાળીઓથી ભરપૂર ઝાડના દિવસે એટલે કે ગદીરે ખુમના ઝાડના સમુહમાં.[5]

اَبَانَ  لَہُ  الْوِلَایَۃَ  ، لَوْ اَطِیْعٰا

તેમની વિલાયતને ઉજાગર કરી, બયાન કરી. અય કાશ! કે તેમનું અનુસરણ કરવામાં આવતે.

શૈખ મુફીદ કુદ્સ સર્રાહનું બયાનઃ

મર્હુમ શૈખ મુફીદ રિઝવાનુલ્લાહે તઆલા અલય્હ એ પોતાના રિસાલામાં “મૌલા’ના અર્થ હેઠળ ફરમાવ્યું છે કે કુમૈતની શખ્સીય્યત તે લોકોમાં છે કે તેઓના અશ્આર વડે કુરઆને કરીમના અર્થોને સમજવા માટે કોશિશ કરવામાં આવી છે અને આલીમોએ શેઅરમાં તેની ફસાહત અને વ્યાકરણ તથા બલાગતમાં તેઓને સરદાર માન્યા છે. તેમની મહાનતા અને બુઝુર્ગી ઉપર બધા જ અરબો એકમત છે અને આવી જ વ્યક્તિ એમ ક્હે કેઃ

وَ یَوْمَ  الدَّوْحِ  ، دَوْحِ  غَدِیْرِ  خُمٍ اَبَانَ  لَہُ  الْوِلَایَۃَ  ، لَوْ اَطِیْعٰا

(તરજુમો ઉપર આપી ચૂકયા છીએ). ગદીરના પયગામ વડે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયતને વાજીબ જાણી છે અને તે હઝરતને શબ્દ મૌલા વડે રિયાસત અને વિલાયત ધરાવનારા ઠેરવવામાં આવ્યા છે. કુમૈત જેવા લોગત અને અરબના મહાન સાહિત્યકાર અને જલીલુલ કદ્ર શાએર માટે એ યોગ્ય નથી કે તેઓ લખાણ અને શબ્દોમાં પરિસ્થિતિને આધીન કામ લેય અને શબ્દનો તેના યોગ્ય અર્થમાં ઉપયોગ ન કરે અને તેની પહેલા બીજા અરબી સાહિત્યકારોએ તે શબ્દને તે અર્થમાં ઉપયોગ ન કર્યો હોય અને જેવી રીતે બીજા અરબોએ તેને સમજ્યો હોય તેને ન સમજ્યા હોય. અગર કુમૈત માટે આવું તારણ યોગ્ય હોત અથવા બીજાઓ માટે પણ કે જે તેમની જેમ અથવા તેમનાથી વધારે હોદ્દો ધરાવનાર અથવા ઓછો હોદ્દો ધરાવનાર હોય તેઓ માટે પણ એ યોગ્ય નથી. પરિણામ સ્વરૂપ વ્યાકરણનો વાસ્તવિક ભાવાર્થ જ મરી જાત અને પછી અરબી વ્યાકરણને વાસ્તવમાં ઓળખવાનો કોઈ રસ્તો આપણી માટે બાકી ન રહી જાત અને આ રીતે આ રસ્તો પણ બંધ થઈ જાય.[6]

અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)એ સ્વપ્નમાં આજ શેઅરની માંગણી કરીઃ

કરાજકીએ ‘કન્ઝુલ ફવાએદ’ના પાના નં. ૧૫૪ ઉપર પોતાની સનદોની સાથે ‘હન્નાત[7] બીન સુરી’ના હવાલાથી રિવાયત કરી છે કે હન્‍્નાતે કહ્યું: અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ને સ્વપ્નમાં જોયા કે તેઓ મને કહી રહ્યા હતાઃ અય હન્નાત! મેં કહ્યું: લબ્બેક યા અમીરલ મોઅમેનીન! આપ (અ.સ.)એ ફરમાવ્યું: કુમૈતના તે શેઅરને મારા માટે પઢો કે જે આ શબ્દોથી શરૂ થાય છેઃ

وَ یَوْمَ  الدَّوْحِ  ، دَوْحِ  غَدِیْرِ  خُمٍ…

મેં પઢયા તો ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: અય હન્નાત! સાંભળો. મેં કહ્યું મારા આકા ફરમાવ્યું. તો ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું:

وَ لَمْ  اَرَمِثْلَ  ذَاکَ  الْیَوْمَ  یَوْمًا

وَ لَمْ  اَرَمِثْلَہُ  حَقًّا  اَضِیْعٰا

મેં હરગીઝ તે દિવસની જેવો દિવસ નથી જોયો અને આવી રીતે હક્કનું વેડફાઈ જવું પણ કયારેય નથી જોયુ.

એવી જ રીતે ‘શૈખ અબુલ ફોતુહ’એ પોતાની તફસીરના બીજા ભાગના પાના નં. ૧૯૩ ઉપર પણ એક સ્વપ્નનું વર્ણન કર્યું છે. કુમૈત કહે છે કેઃ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને સ્વપ્નમાં જોયા કે તેઓ મને કહી રહ્યા હતા કે તમારા કસીદએ અય્નીયાને મારા માટે પઢો. મેં પઢવાનું શરૂ કર્યું અને અહીંયા સુધી પહોંચ્યો કેઃ

وَ یَوْمَ  الدَّوْحِ  ، دَوْحِ  غَدِیْرِ  خُمٍ اَبَانَ  لَہُ  الْوِلَایَۃَ  ، لَوْ اَطِیْعٰا

અને હઝરત અલી (અ.સ.) (ખુદાના નિરંતર દોરૂદ અને સલામ થાય તેમની ઉપર)એ ફરમાવ્યું: તમે સાચુ કહ્યું અને ખુદ આ રીતે પઢયાઃ

وَ لَمْ  اَرَمِثْلَ  ذَاکَ  الْیَوْمَ  یَوْمًا

وَ لَمْ  اَرَمِثْلَہُ  حَقًّا  اَضِیْعٰا

મેં હરગીઝ તે દિવસની જેવો દિવસ નથી જોયો અને આવી રીતે હક્કનું વેડફાય જવું પણ કયારેય નથી જોયુ.

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ પણ આ કસીદાના વખાણ કર્યાઃ

‘બયાઝી આમેલી’એ પોતાની કિતાબ ‘અસ્સેરાતુલ મુસ્તકીમ’માં નોંધ કરી છે કે કુમૈતના પુત્રએ કહ્યું કેઃ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને સ્વપ્નમાં જોયા કે આપ હઝરત (સ.અ.વ.) તેને ફરમાવી રહ્યા હતાઃ તમારા પિતાના કસીદએ અયનીય્યહને મારા માટે પઢો અને મેં પઢવાનું શરૂ કર્યું અને જ્યારે અહીંયા સુધી પહોંચ્યોઃ

وَ یَوْمَ  الدَّوْحِ  ، دَوْحِ  غَدِیْرِ  خُمٍ…

તો પયગમ્બરે અકરમ (સ.અ.વ.) સખત ગીર્યા કરવા લાગ્યા અને ફરમાવ્યું: તમારા પિતાએ સાચુ કહ્યું.

ખુદા તેમની ઉપર રહમત કરે. બેશક ખુદાની કસમઃ

وَ لَمْ  اَرَمِثْلَہُ  حَقًّا  اَضِیْعٰا

આવી રીતે હક્કનું વેડફાઈ જવુ કયારેય નથી જોયુ.[8]

યાદ દેહાનીઃ

આ વિષયમાં વધારે શક્યતા નથી કે કુમૈતના કસીદાઓનું વધારે અવલોકન કરવામાં આવે. મર્હુમ અલ્લામા અમીની રિઝવાનુલ્લાહે તઆલા અલય્હ એ ૫૦ પાનાથી પણ વધારે કુમૈતના જીવનચરિત્રની નોંધ કરી છે. તેમના બધા જ કસીદાઓ જેમકે કસીદએ અય્યનીય્યહ, હાશેમીય્યાત, કસીદએ મયમીય્યતે હાશેમીય્યાત, કસીદએ બાએમીય્યતે હાશેમીય્યાત, કસીદએ લામીય્યતે હાશેમીય્યાત વિગેરેના અમુક શેઅરનું પણ વર્ણન કર્યું છે અને તેની ઉપર સ્પષ્ટતા પણ કરી છે અને તેના હવાલાઓની નોંધ કરવાની સાથે સાથે કુમૈતની ઝીંદગીની પરિસ્થિતિનું પણ વર્ણન કર્યું છે. અમે અહીંયા વાંચકોનું ધ્યાન દોરવા માટે અમુક વિષયોની નોંધ કરી રહ્યા છીએ.

શાએરની ઝીંદગી, કુમૈત અને તેમની મઝહબી ઝીંદગી, કુમૈત અને અઈમ્મા (અ.મુ.સ.)ની દોઆઓ તેમના હક્કમાં, કુમૈત અને હિશામ બીન અબ્દુલ મલિક, કુમૈત અને યઝીદ ઈબ્ને અબ્દુલ મલિક તથા કુમૈતનો જન્મ અને તેમની શહાદત વિગેરે.

કુમૈતના હક્કમાં અઈમ્મા (અ.મુ.સ.)ની દોઆઃ

જેવી દોઆઓ કુમૈતના હક્કમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અને અઈમ્મા (અ.મુ.સ.)એ કરી છે તેવી દોઆઓ બીજા કોઈના બારામાં ભાગ્યે જ જોવા મળે છે. આપણે અગાઉ બયાઝીની હદીસમાં જોયુ કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) તેમના માટે રહમતની દોઆ કરી રહ્યા હતા. એવી જ રીતે નઝર મઝાહીમના સ્વપ્નમાં અજે ખેરની દોઆ જોવા મળે છે.

ઈમામ સજ્જાદ (અ.સ.) તેમના માટે દોઆ કરે છે કેઃ ખુદાવંદા! તેમને ખુશબખ્તીની સાથે જીવંત રાખ અને શહાદત વડે મૌત અતા કર તથા તેમને દુનિયાનો અજ પણ દેખાડ અને આખેરતના સવાબને તેમની માટે ઝખીરા કરી દે.

ઈમામ બાકીર (અ.સ.)એ ન ફક્ત એકવાર બલ્કે ઘણી બધી વાર જેમકે મીનામાં, અય્યામે તશ્રીકના પ્રસંગે અને કયારેક ખાનએ કાઅબાની સામે તેમની માટે રહમત અને મગ્ફેરતની દોઆ કરી અને ફરમાવ્યું: અય કુમૈત! હંમેશા રૂહુલ કુદ્દસનું સમર્થન તમને પ્રાપ્ત થતુ રહે.

તારણ એ કે ઈમામ સાદિક (અ.સ.)એ પણ તેમના હક્કમાં દોઆ કરી અને બીજા ઈમામો (અ.મુ.સ.)એ

પણ દોઆ કરી છે.[9]

ખુદાયા! અમને પણ ઈમામે ઝમાના (અ.સ.) અને બીજા અઈમ્મા (અ.મુ.સ.)ની દોઆઓમાં શામીલ ફરમાવ.

કુમૈતનો જન્મ અને તેમની શહાદતઃ

કુમૈત હી.સ. ૬૦ માં એટલે કે ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદતના વર્ષે પૈદા થયા. ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની દોઆઓની બરકતથી તેમની તકદીરમાં શહાદત નસીબ થઈ. તેમની શહાદત ‘મરવાન બીન મોહમ્મદ’ના ખિલાફતના ઝમાનામાં કુફામાં હી.સ. ૧ર૬ માં થઈ.

તેમની શહાદતનું કારણ એ દર્શાવવામાં આવે છે કે જઅફરીય્યાન એ ખાલિદ કસરી ઉપર ખોરૂજ કર્યું. તે ઝમાનામાં ઘણા લોકોને સળગાવી દેવામાં આવ્યા હતા અને મારી નાખવામાં આવ્યા હતા. કુમૈતે ઝય્દ બીન અલીના મરવા પછી અમુક શેઅર તેમની મદહમાં કહ્યા હતાઃ અય ઝય્દ બીન અલી! જાહેરી રીતે તો તમે લોકોની દરમ્યાન આવ્યા અને કોઈ ન હતુ કે તે (ખાલિદ)ના મહેલના મોટા દરવાજા ઉપર તાળુ મારી દે.

ખાલિદ કે જેઓ પોતાનુ મોઢુ ખુલ્લુ રાખીને પાણી માંગી રહ્યા હતા અને તેમને કત્લ કરનારાઓ ફરિયાદ

કરી રહ્યા હતા તે તમારી જેવા નહીં હોય.

તે જ સમયે ૮ સિપાહીઓએ પોતાની તલ્વારોથી કુમૈતના પેટ ઉપર હુમલો કર્યો અને તેમને પછાડી દીધા અને કહ્યું: અમીરની પરવાનગી વગર શેઅર પઢો છો? અને તેમના શરીરમાંથી સતત ખૂન વહેતુ રહ્યું ત્યાં સુધી કે તેમની શહાદત થઈ ગઈ.

મુસ્તહીલ કે જે કુમૈતના પુત્ર હતા. એક મહાન અને જાણીતા શાએર પણ હતા. તેમનું પણ દિવાન મૌજુદ છે. તેઓ ફરમાવે છે કે પોતાના વાલીદની શહાદતના સમયે તેઓ તેમની પાસે ઉભા હતા. તેઓ શહાદતના સમયે બેહોશ થયા અને જ્યારે હોશમાં આવ્યા તો ૩ વખત ફરમાવ્યું: બારે ખુદાયા! ખાનદાને મોહમ્મદ (સ.અ.વ.) પછી મને બની કલ્બના બારામાં કહ્યું અને કહ્યું કે મને કુફાની પાછળના ભાગમાં દફન ન કરતા બલ્કે ‘મકરાન’ નામની જગ્યાએ દફન કરજો. આથી તેમને એ જ જગ્યાએ દફન કરવામાં આવ્યા કે જે આજે કબ્રસ્તાને બની અસદના નામથી પ્રખ્યાત છે.

ખુદાયા! અમને ઝીંદગીના આખરી શ્વાસ સુધી અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના હક્કનો બચાવ કરવાની તૌફીક અતા ફરમાવ. અલ્લાહુમ્મ અજ્જીલ લે વલિય્યેકલ ફરજ.

[1] બેહારૂલ અન્વાર, ભા. ૪૪, પા. ર૮૯

[2] અલ ગદીર ફારસી તરજુમો, ભા. ૪, પા. ર૬ અને ર૭, અલ્લામા અમીની (અ.ર.)એ અલ અગાની, ભા. ૧૫, પા. ૧૧૫ અને ૧ર૭, ભા. ૧૭, પા. ૩ અને ૩૫ ના હવાલાથી નોંધ કરી છે. અલ અગાની ઘણા બધા ભાગો ઉપર આધારિત છે. તેને અબુલ ફરજ અલી બીન અલ હુસૈન ઈસ્ફહાની, વફાત હી.સ. ૩૫૬ એ લખી છે.

[3] અલ ગદીર (ફારસી) ભા. ૪

[4] કિતાબ મઆએદીત્તન્સીસ અલા શવાહેદીત્તલ્ખીસના લેખક શૈખ અબ્દુર રહીમ બીન એહમદ અબ્બાસી, વફાત હી.સ. ૯૬૩ એ કર્યું છે.

[5] અલ ગદીર (ફારસી) ભા. ૪, પ, ૬

[6] અલ ગદીર (ફારસી) ભા. ૪, ૬ અને ૭ રિસાલામાંથી નોંધ કરતા. પ્રકાશન મુસન્નીફાતે શૈખે મુકીદ હેઠળ, ભા. ૮, પા. ૧૮

[7] બુખારી અને બીજા ઘણા બધા લોકોએ આ રિવાયતને હન્નાતથી નોંધ કરી છે અને નેસાઈ અને બીજા લોકોએ તેનું સમર્થન કર્યું છે અને અબુ હાતિમ હી.સ. ૧૫ર-ર૪૩ એ તેનું સમર્થન કર્યું છે. પોતાની કિતાબ “અલ જરહ વલ તઅદીલ, ભા. ૯, પા. ૧૧૯, હ. ૫૦૧ નો અભ્યાસ કરો, તેહઝીબુત્તેઠઝીબ, ભા. ૧૧, પા. ૭૧.

[8] અલ ગદીર (ફારસી) ભા. ૪, ૮

[9] અલ ગદીર (ફારસી) ભા. ૪, પા. ૩૫-૩૯

ગો ટૂ ટોચ