અલી (અ.સ.)ની વિલાયતનું ફળ (સમરહ) – બીજો ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ

વિલાયતની વિધ્ધ કાવતરાઓ અને તેઓના બેનકાબ ચહેરાઓ:

હવે એ ઝમાનો આવવા લાગ્યો હતો કે જેમાં કાવતરાઓ જોર પકડી રહ્યા હતા અને હવે કાવતરાઓએ પોતાનું મેદાન તૈયાર કરી લીધું હતું અને વાહિયાત વાતનું અનુસરણ કરીને એક મોટો સમૂહ ઈસ્લામના નામ ઉપર આ રસ્તે ચાલવા લાગ્યો હતો. જ્યાં નિત-નવા રાજકીય અને ખોટી માહિતી નકલ કરવાના દરવાજાઓ ખુલવા લાગ્યા હતા. હવે વિલાયતની અવાજ એ દુરની અવાઝ થઈ ગઈ હતી. જનાબે ફાતેમા (સ.અ.)ના ઘરનો દરવાજો કે જ્યાં સવાર-સાંજ હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) તશરીફ લાવીને સલામ કર્યા કરતા હતા તેને સળગાવી દેવામાં આવ્યો, અલી (અ.સ.)ના ગળામાં દોરડું બાંધીને તેમને ખેંચવામાં આવ્યા અને મદિનાવાસીઓ મૂક પ્રેક્ષક બનીને આ બધું જોતા રહ્યા…. (આ નિ:સહાયતાની હાલત અને જવાબદારીઓ દીનની હિફાઝત માટે) ઉપરોકત ઉલ્લેખ કરેલી કમીટીમાંના ઓબય્દુલ્લાહ જરર્હિ કે જે બીજી ખિલાફતના સમયગાળા દરમ્યાન મરી ચૂકયો હતો નહિંતર કદાચ ત્રીજી ખિલાફત તેના હાથમાં જાત. ગમા અણગમા સાથે અબ્દુર રેહમાન બિન ઔફે ખિલાફતનો તાજ હ. ઉસ્માનના માથે ત્યારે મૂકયો જ્યારે કે હઝરત અલી (અ.સ.) ત્યાં મૌજુદ હતા. રિસાલતની તબ્લીગને પીઠ પાછળ ધકેલી દેવા અને નવી શરીઅતની શરૂઆત પોતાના વિરોધી અને પ્રતિસ્પર્ધી સમાંતર ઝમાનાનો દરવાજો ખટખટાવવા લાગ્યો. વિલાયતના તાજદાર હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) માટે આ અત્યંત દર્દનાક અને પહાડ જેવા સબ્રનો ઝમાનો હતો. વિચારવા જેવી બાબત કે અલી (અ.સ.)ના હાથોમાં ઝુલ્ફીકાર છે અને જોશ અને શુજાઅત એવી હતી કે સામે આવનાર કોણ બચી શકત? પરંતુ નબીએ કરીમ (સ.અ.વ.) ના વસી અગાઉના અંબિયા (અ.મુ.સ.)ના ચાલ-ચલણ અને સિરતને પણ જોઈ રહ્યા હતા અને પોતાની વિલાયતની અઝમત અને બુઝુર્ગીની સાથે સબ્રનું એવું પ્રદર્શન કરી રહ્યા હતા જે રસુલ (સ.અ.વ.) ની અંતિમ વસીય્યતનું પરિણામ હતું. (એટલે કે તે વસીય્યત કે જેમાં આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું હતું, અય અલી! જ્યારે લોકો દુનિયાની પાછળ જઈ રહ્યા હોય ત્યારે તમે દિનની હિફાઝત કરજો.) એવા ઝમાનામાં જ્યારે બાગે ફીદકની અર્ધી આવક મરવાન બિન હકમ (લ.અ.) જેવા ઈસ્લામના દુશ્મનના હાથોમાં આવી ગઈ તો લોકોમાં એક જબરદસ્ત ખળબળાટ મચી ગયો અને હવે ભ્રષ્ટાચાર વધવા લાગ્યો જેના પરિણામે એક મોટી અરાજકતાએ જન્મ લીધો. જ્યારે અરાજકતા એ તે ઝમાનામાં જોર પકડયું ત્યારે લોકો હઝરત અલી (અ.સ.)ના દરવાજા ઉપર ભેગા થયા અને જાહેરી ખિલાફતને કબૂલ નહીં કરો તો કત્લ કરી દઈશું એવા અવાજો બલંદ કરવા લાગ્યા ત્યારે હઝરત અલી (અ.સ.) એ અલ્લાહ તબારક વ તઆલા અને રસુલે અકરમ (સ.સ.વ.)ની મરજી મુજબ ખિલાફતની લગામ પોતાના હાથોમાં સંભાળી, પાંચ વર્ષના આ જાહેરી ખિલાફતના સમયગાળા દરમ્યાન જ્યાં હઝરત અલી (અ.સ.) એ સિફફીન, નહેરવાન અને જમલ જેવી મોટી જંગો લડી ત્યાં એક મહત્ત્વની જે ફરજ બજાવી તે એ કે રહબાના મયદાનમાં મુસલમાનોની સામે ગદીરના એલાનને તાજુ કરાવ્યું અને ઝૈદ બિન અરકમ ઉપર ઈન્કાર અને શંકા કરવાની બુનિયાદ ઉપર જે અઝાબ નાઝિલ થયો તે જાણે કે ગદીરના એલાનની હરતી ફરતી જાહેરાત હતી અને ગદીરના એલાન જંગે સિફફીન પછી એક તરફ ઈસ્લામી સમાજમાં ગદીરની ચર્ચાઓ અલલ એલાન થઈ રહી હતી અને બીજી તરફ ખાનગી અને છુપા અંદાજમાં સકીફાના આયોજન અને તેની બેબુનિયાદ ખિલાફત અને હુકુમતની પધ્ધતિ ઉપર ટીકા ટીપ્પણ થવા લાગી હતી. ઈસ્લામને ચાહનારાઓ અને સમજદાર લોકો કે જેઓએ ઈસ્લામની રૂહને પામી લીધી હતી તેઓએ હઝરત અલી (અ.સ.)ની વિલાયત એટલેકે ગદીરના એલાનને પોતાની ઝિંદગીનો આદર્શ બનાવી લીધો હતો. પરંતુ તેઓ કે જેઓ ઝીંદગીના નિચલા તબક્કામાંથી ઉભરીને સત્તા, રાજપાટ અને રહબરીની કક્ષામાં આવી ગયા હતા અને એશો-આરામ તેમની ટેવ બની ચૂકી હતી તેઓ કેવી રીતે ચૂપ બેસી શકવાના હતા? તેઓ રસુલે અકરમ (સ.અ.વ.) ના પોતાના કરતા વધારે અધિકાર ધરાવવાના વાયદાના કોળિયાને કેવી રીતે ગળાની નીચે ઉતારે? આથી નહેરવાનની જંગ એક એવો વળાંક હતો કે જ્યાંથી હઝરત અલી (અ.સ.)ની દુશ્મનીનો સિલસિલો ફરીથી પુરજોશમાં શરૂ થઈ ગયો. હઝરત અલી (અ.સ.)ની દુશ્મની એટલેકે હઝરત અલી (અ.સ.)ની વિલાયતનો ઈન્કાર અને આપ (અ.સ.)ની રેહબરીથી મોઢું ફેરવી લેવાને વિરોધીઓએ પોતાનું સૂત્ર બનાવી દીધું હતું. આથી અહીંયા એક એવી ઘાતક કૌમ પૈદા થઈ કે જેમાં હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ના ખબ્બાબ જેવા નેકદિલ સહાબી અને તેમની મઝલુમ પત્નિ અને તેમના મઅસુમ બાળકને પણ કત્લ કરવાથી અટકયા નહિં. તેમજ અત્યાચારો ઉપર અત્યાચાર કરતા અટકયા નહીં અને તેઓની લાશોને હઝરત અલી (અ.સ.)ની ખિદમતમાં મોકલી આપી. આ નહેરવાનીઓ પોતાના સ્વભાવના હિસાબે, રિત-ભાત, રંગ ઢંગ અને વેશભૂષાના હિસાબે આજના ઝમાનામાં પણ જોવા મળે છે અને ઘણા જોવા મળે છે. ગરઝ કે વિલાયતની સફર હતી કે જેની રોશનીને પોતાના દીલોમાં લઈને હવે ચોખ્ખા એક એવા કાફલાના લોકો હતા અને ઈસ્લામી મૂલ્યોના રક્ષણહાર હતા જેઓએ નહેરવાનના ખારજીઓ સાથે મુકાબલો કરતા કરતા પોતાની આગેકૂચ સતત જારી રાખી હતી. અક્કલની આંધળી તે કૌમના બારામાં શું કહી શકાય કે જેઓના ફકીહો અને બીજા લોકો એક બાજુ મોઆવિયાને ઈસ્લામનો ચાહનારો ગણાવે છે અને બીજી તરફ ખોલફાએ રાશેદીનની ચોથી અને અંતિમ કળીને પણ માર્ગદર્શન અને હિદાયત, ફરમાન અને એહકામ તથા સીરતને પણ ઈસ્લામની બુનિયાદ સમજે છે. અગર એક એક તંતુનો અભ્યાસ કરવામાં આવે તો જોવા મળશે કે તેઓ પૂલ બનાવી રહ્યા છે કે જે ખિલાફત અને હુકુમતને આપસમાં ભેળવી દે. પરંતુ સ્વાર્થી અને ફકત નામ લેવા ખાતર ઈસ્લામના નામ ઉપર હુકુમત અને રાજ્ય સત્તા લોકોનો એક નાના સમૂહમાં એક મજબુત માળખુ તૈયાર થઈ ગયું હતું જેને સકીફાઈ માળખું કહી શકાય અને અબુ સુફયાની સ્વપ્નાઓને મોઆવિયાએ સાકાર કરવાની ચળવળ ચલાવી હતી કે જે કામચલાઉ રીતે ખૂબજ જોર પકડવા લાગી હતી. અને વિલાયતની આ વ્યવસ્થા કે જે હઝરત અલી (અ.સ.)ની સરબરાહીની માંગ કરી રહી હતી તેના ઉપર પર્દો નાખી દેવા માટે નિત-નવા કાવતરાઓ અને યુકિતઓ શરૂ થઈ ગઈ. એટલે સુધી કે મસ્જીદે કુફામાં હઝરત અલી એ મુર્તઝા (અ.સ.)ની શહાદત ત્યારે થઈ જ્યારે આપ (અ.સ.) પોતાના મઅબુદના સજદામાં મશ્ગુલ હતા અને સમગ્ર દુનિયાને પાછળ છોડી દીધી હતી. ફકત હઝરત અલી (અ.સ.) જ અલ્લાહની બારગાહના સૌથી મુકર્રબ (નજીકના) બંદા હતા અને મઅબુદની બંદગી મેઅરાજની ટોચ ઉપર હતી પરંતુ વિલાયત અલ્લાહના હુક્મથી ઈસ્લામમાં નાફિઝ થઈ છે તો પછી તેને કોણ મિટાવી શકે છે?

અલ્લાહની વ્યવસ્થા:

ઈસ્લામ એ મઝહબ છે કે જેની હિફાઝત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તકવીની આલમથી લઈને ખાતેમુલ મુરસલીન (સ.અ.વ.)ના ઝમાનાની તેમના પછી તેમના વલી હઝરત અલી (અ.સ.) સુધી અને તેમના પછી ખાતેમુલ અઈમ્મા (હઝરત ઈમામે ઝમાના અ.સ.) સુધી કરી રહ્યો છે અને કરતો રહેશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના પ્રકાશિત કરેલા હિદાયતના ચિરાગોની રોશનીમાં વિલાયતની ઝળહળતી કાએનાત, ઝિંદગીની, દુનિયાઓ અને આસ્માનોના ગુણગાન ગાતી રહેશે અને વિલાયત ઉપર યકીન ધરાવનારાઓ એજ રસ્તાના મુસાફરો છે જેઓ ચાલતા રહેશે. તેઓના એકે એક ડગલા અડગતાની સાથે ઈમામે ઝમાના (અ.સ.)ના ઝુહુરની મંઝિલ કે જેઓ સાહેબે વિલાયત છે તેમની તરફ વધી રહ્યા છે અને વધતાજ રહેશે.

ત્યાં સુધી કે અલ્લાહનો વાયદો પૂરો થઈને રહેશે. કુરઆને મજીદ એલાન કરી રહ્યું છે કે ‘અમે આ ઝમીનના વારિસ અને ઈમામ તેમને નિયુકત કરીશું કે જેઓને આ દુનિયામાં કમઝોર કરી દેવામાં આવ્યા છે.’ અય કાશ! આખર ઝમાનાની નબી (સ.અ.વ.)ની ઉમ્મતે હઝરત અલી (અ.સ.)ની ઈમામત અને વિલાયત અને તેમના પછી અગ્યાર ઈમામો (અ.મુ.સ.)ના આ મન્સબ (હોદ્દા)ની દુરોગામી (લાંબાગાળાની) અસરો અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના અહદ અને પયમાનના એલાનને ભૂલવાડી દીધું ન હોત તો તેના પરિણામે તેઓ દરેક ઝમાનામાં બાઈઝઝત અને કામ્યાબ હોતે.

વિલાયત ઉપર યકીન ધરાવનારા લોકો ખુબ સારી રીતે જાણે છે કે વિલાયતનું ફળ શું છે? ખાલિકે કાએનાતે અતા કરેલી આ એ નેઅમત છે કે જે ઈલ્મ અને અમલ થકી ઈન્સાનની અક્લને પરવાઝ કરવાની કુવ્વત અતા કરે છે અને દુનિયામાં તેઓના મોઢા ઉપર સ્મિત હોય છે. જ્યારે તે કુરઆને કરીમની આયતો ઉપર વિચાર કરે છે કે જેમાં વિલાયતથી વિમુખ થઈ જનારાઓને સંબોધીને અલ્લાહનું ફરમાન થઈ રહ્યું છે:

સી ફીલ્અરઝે સુમ્મન્ઝો કય્ફ કાન આકેબતુલ મોકઝઝેબીન.

“ઝમીનમાં હરો-ફરો, પછી જુઓ કે જુઠલાવનારાઓનો અંત કેવો છે.

અને એ આખેરતમાં જોશે કે જ્યારે કયામતના દિવસનો ન્યાયાધીશ (હાકિમ) વિલાયતથી મોઢું ફેરવનારાઓને પુછશે કે: ‘અય આદમ (અ.સ.)ની ઔલાદ! શું મેં તમારાથી વાયદો લીધો ન હતો કે શય્તાનનું અનુસરણ નહીં કરતા. આ તમારો ખુલ્લો દુશ્મન છે અને મારી જ ઈબાદત કરજો. આજ સેરાતે મુસ્તકીમ છે.’ આ વાયદા અને વચન ઉપર કાયમ અને બાકી રહેનારી મુસ્લીમ ઉમ્મત એ છે કે જેના માટે દુનિયા પણ ભલાઈનું લક્ષ્ય સ્થાન છે અને આખેરત પણ એક એવું ઠેકાણું છે કે જ્યાંથી જન્નતના ખુબસુરત નઝારાઓ તેને બોલાવી રહ્યા છે.

નોંધ:

લેખકે સાહેબે વિલાયત, અમીરૂલ મોઅમેનીન, હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની શહાદત સુધીની વિલાયતના સફરના અમૂક અહેવાલને અત્યંત સંક્ષિપ્તમાં બયાન કરવાની તવફીક પ્રાપ્ત કરી છે. ઈન્શાઅલ્લાહ હવે પછી અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની શહાદત પછીના સફરનું અને વિલાયતનું અનુસરણ કરનારાઓનો ઝીક્ર કરવામાં આવશે. કેવી રીતે અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ પોતાની આ વિલાયતની નેઅમત થકી કમઝોર લોકોને ફાયદો પહોંચાડયો છે અને આજ સુધી તેના ફળોથી સમગ્ર કાએનાતનું અસ્તિત્વ બાકી છે.

ગો ટૂ ટોચ