શહીદે સાલીસ કાઝી નુરુલ્લાહ શુસ્તરી (નુરુલ્લાહો મરકદહ) – બીજો ભાગ
વિલાદત:
વિલાદતની તારીખ વિષે એટલુ મળે છે કે આપ હિજરી સન 956માં ઈરાનનાં શહેર શુસ્તરમાં પૈદા થયા શુસ્તરને અરબી કિતાબોમાં તુસ્તર લખવામાં આવે છે.
તાઅલીમ (શિક્ષણ):
શરુઆતની તાલીમ ઉલુમે અકલી અને કુરઆન અને હદીસોનું ઇલ્મ તેમણે પોતાના વાલીદથી તેમના વતન શુસ્તરમાં જ લીધુ હતું. આપના ઉસ્તાદોમાં મીર સફીયુદ્દીન અને મીર જલાલુદ્દીન મોહમ્મદ સદ્ર પણ હતા.
મશહદમાં પ્રવેશ:
લગભગ 23 વર્ષની ઉમ્રમાં હિજરી સન 979માં શુસ્તરથી ઝીયારત માટે અને વધારે ઈલ્મ હાંસિલ કરવા અને તઝકીએ નફસ માટે મશહદે મુકદ્દસે રીઝવી તરફ રવાના થયા અને માહે મુબારકે રમઝાનમાં મશ્હદ પહોચ્યા અને દીનનું ઇલ્મ અને હકાએકની ઊંડી સમજણ માટે કાર્યરત થઇ ગયા.
મશહદમા આપ (અ.ર)એ મશહુર આલીમેદિન મૌલાના અબ્દુલ વાહીદ બિન અલી કુદ્સ સરહનાં દર્સમા શિરકત કરી.
કાઝી નુરુલ્લાહના ફરઝંદ એલાઉલમુલ્કે તેમની કિતાબ મહેફીલે ફીરદોસમાં પોતાના વાલીદના ઉસ્તાદ અબ્દુલ વાહીદનો ઝીક્ર આ રીતે કર્યો છે. અલ મવલલ મોહક્કિક અલ તહરીર વલ બહર અલ ગઝીર અબ્દુલ વાહીદ બિન અલી (કુદ્દ્સ સરરહમાં)ની અકલ તેમજ છેવટ સુધીની મેહનત ફાયદામંદ હતી. તેમજ આપની ફિક્ર બલંદ હતી આપનો નફસ ઇસ્લામની શરીઅત અને કાનૂનોને હાંસીલ કરવા માટે ઇલ્હામથી જોડાયેલ હતો અને આપની ઊંડી સમજણ દરેક અકલોને ચુપ કરી દેતી હતી.
મૌલાના અબ્દુલ વાહીદ સિવાય કાઝી કુદ્સ સરહના બીજા ઉસ્તાદો પણ મશહદમાં હતા, જે આપણને એલાઉલમુલક તેમના પુત્રના લખાણ પરથી જ ખબર પડે છે. તે કહે છે કે આપ (કાઝી નુરુલ્લાહ સાહેબ) સંશોધનકાર મૌલાના અબ્દુલ વાહીદ અને બીજા અલગ અલગ ઉસ્તાદોથી ફાયદો હાસિલ કરતા હતા.
આવી જ રીતે ખુદ પોતે કાઝી સાહેબ મજાલેસુલ મોઅમેનીન નામની પોતાની કિતાબના સાતમાં પ્રકરણના અંતમાં મોહક્કીકે દવાનીની ઝીંદગી અને તેના લખાણોનો ઝીક્ર કયર્િ પછી ફરમાવે છે કે
આ તમામ ઉપરોક્ત કાર્યો જે તેમની (મોહક્કીકે દવાની) કલમનાં કારણે છે, જે મારા ઉસ્તાદો કે જેમની લાંબા સમય સુધી મેં એમની શાગીર્દીમા ગુઝારી છે તેમના કારણે છે.
ખુલાસો:
કાઝી સાહેબના બીજા ઉસ્તાદ મોહક્કીકે દવાનીના શાગીર્દોના શાગિર્દમાંથી છે. આપે મૌલાના અબ્દુલ વાહીદથી ફીકહ, ઉસુલ, કલામ, હદીસ અને તફસીરનું ઇલ્મ હાસિલ કર્યું. મોહમ્મદ અદીબ કારી શુસ્તરીથી મશહદમાં જ અદબીય્યાતે અરબ અને કુરઆને કરીમની તાલીમ લીધી હતી. આ દરમ્યાન આપને બુઝુર્ગ ઓલમાંઅથી ઈજાઝાએ રિવાયત મળી ગઈ હતી. ખાસ કરીને આપને મૌલા અબ્દુલ રશીદ બિન ખ્વાજાનુરુદ્દીન તબીબ શુસ્તરીથી આપે ઈજાઝાએ રિવાયત હાસિલ કર્યો. ખ્વાજા નુરુદ્દીનની મશહુર કિતાબ મજાલેસુલ ઈમામીયાહ છે.
કાઝી નુરુલ્લાહની હિન્દુસ્તાન તરફ હિજરત:
બાર વર્ષ મશહદે મુકદ્દસમાં તાલીમ અને તરબીયત પુર્ણ કયર્િ પછી શવ્વાલ મહિનાની શરુઆતમાં હિજરી સન 992માં આપ હિન્દુસ્તાન તરફ હિજરત માટે નીકળ્યા. મશહુર એ છે કે આપ હિન્દુસ્તાનમાં સીધા દરબારે અકબરમાં પહોચ્યા. અમુક લોકોએ આપની હિજરતનું અસલ કારણ એવું બયાન કર્યું છે કે તે સમયે મશહદમાં સતત મુસીબતો, દર્દનાક બનાવો, બગાવતો અને ઇન્કેલાબાતોનું થવુ અને તે સમયે હિન્દુસ્તાનમાં મોગલ બાદશાહ અકબરનો સમય હતો. અને તેને શાંતિ અને સલામતીનો સમય માનવામાં આવતો હતો. આથી આપે એહલેબૈત (અ.મુ.સ)નું ઇલ્મ અને શિય્યતની પ્રચાર માટે આ ઝમીનને પોતાની હંમેશાની રહેવાની જગ્યા કરાર દીધી.
ઈતિહાસ તે વાતની ગવાહી આપે છે કે અકબરના દરબારમાં ઘણાબધા શિઆઓ મોટા મોટા ઓહદાઓ પર હતા અને અકબરથી ઘણાબધા નઝદીક હતા તેમાંથી બીરમમખાન, અલીકલીખાન, મીર મુર્તઝા શીરફી, હુસૈન ખાન ટકરયહ, શૈખ મુબારકલ્લાહ, અબુલ ફઝલ, ફૈઝી, હકીમ અબુલ ફતહ ગીલાની અને ફતહુલ્લાહ શીરાઝી હકીમ અબુલ ફઝલ હિજરી સન 983માં હિન્દુસ્તાન આવ્યા હતા અને અકબરના નજીકના વર્તુળ માંહેના માણસ બની ગયા હતા.
ઉપર બતાવેલા નામોમાંથી ફતહુલ્લાહ શીરાઝી અને હકીમ અબુલ ફતહ ગીલાનીએ કાઝી નુરુલ્લાહની ઓળખ અને પરિચય બાદશાહ અકબરથી કરાવ્યો. તે સમયે અકબર લાહોરમાં હતો બે વર્ષ પછી આપ અકબરના હુકમથી કાઝીયુલ કઝાત મુખ્ય ન્યાયધીશનાં ઓહદા ઉપર આવ્યા હતા પરંતુ આપે આ ઓહ્દાને આ શર્તની સાથે કબુલ કર્યો
ન્યાયધીશનાં ઓહદા માટેની શર્ત:
આપે અકબરથી કહ્યું કે હું આ ઓહદોએ શરતની સાથે સ્વીકારીશ કે હું ખુદ પોતાની નઝરીયાત અને દલીલો ધરાવું છું તેમજ હું મસાએલ માટે ચારો ફીકહ (હનફી, શાફેઈ, માલીકી અને હમ્બલી ફિકહ)નો કૈદી નથી સમજતો પરંતુ હું આ ચારે ફીકહની બહારનો ફેંસલો નહિ આપું. આ ચારેય ફીકહ ઉપરથી નતીજો મેળવીને પછી ફેંસલો આપીશ. (કોઈ એક ફિકહ મુજબ ફેંસલો નહિ કરું)
બાદશાહે આ શર્ત કબુલ રાખી જ્યારે કે કાઝી નુરુલ્લાહ મઝ્હબે ઈમામીયા મુજબ જ ચુકાદો કરતા હતા, જ્યારે લોકો તેમના ચુકાદા ઉપર એઅતેરાઝ (વાંધો) કરતા તો આપ તેમને આ ચાર ફિકહમાંથી કોઈ એક ફિકહની રોશનીમાં ચુકાદાને સમજાવી દેતા. આવી રીતે પક્ષપાતી અને હસદ કરનારાઓનું શર્મની સાથે મોઢું બંધ થઇ જતું પરંતુ તેઓના પક્ષપાતી વલણ અને હસદમાં વધારો થતો ગયો પરંતુ અકબરના ઝમાનામાં પક્ષપાતી અને હસદખોરોનું કઈ ન ચાલ્યું. તેમની દાળ ન ગળી અને તેમના ષડયંત્રો નાકામ થઇ ગયા અને તે લોકો કાઝી નુરુલ્લાહને કોઈ નુકસાન ન પહોચાડી શક્યા, ત્યાં સુધી કે અકબર મરી ગયો અને તેનો દીકરો નુરુદ્દીન જહાંગીર તખ્ત પર આવ્યો અને તે બાદશાહ બન્યો. જહાંગીરને શહેઝાદાએ સલીમ પણ કહેવામાં આવે છે. સલીમ ચિશ્તી જહાંગીરનો સલાહકાર હતો. પરંતુ અમુક રિવાયતો મુજબ સલીમ ચિશ્તીની દોઆના કારણે જ જહાંગીર પૈદા થયો હતો અને તેના નામ પરથી જ સલીમ નામ રાખવામાં આવ્યું હતું.
ખુલાસો:
અકબરની રાજધાની લાહોરમાં હતી પરંતુ હિજરી સન 981માં તેમણે દિલ્હીની નજીક યમુના નદીના કિનારે નવું શહેર વસાવ્યું, જેમનું નામ અકબરાબાદ રાખવામાં આવ્યું અને તેને જ પોતાની રાજધાની કરાર દીધી. પછીથી આ શહેરનું નામ આગ્રા થયું, જે આજ સુધી આ જ નામ છે. જૂની કિતાબોમાં કાઝી નુરુલ્લાહ શુસ્તરીનું દફનનું સ્થળ અકબરાબાદ લખવામાં આવ્યું છે.
દોસ્તોની મૌત અને મદદગારોનુ ચાલ્યું જવું:
કાઝી નુરુલ્લાહ પોતાના અમુક દોસ્તો અને ચાહવાવાળા અને બાદશાહોના વફાદાર લોકોના ઇન્તેકાલ અને પોતાના મદદગારોની કમીના કારણે બેસુકુન અને વ્યાકુળ હતા અને તે કોશિશમાં હતા કે ઈરાન પરત ચાલ્યા જાય પરંતુ તેમની આ કોશિશ કામ્યાબ ન થઈ. હકીમ અબ્દુલ ગીલાનીનો ઇન્તેકાલ પણ અકબર બાદશાહના આખરી ઝમાનામાં થઇ ગયો હતો. આથી આપ એકલા થઇ ગયા હતા. જહાંગીરના સમયકાળમાં અમુક પક્ષપાતી સુન્નીઓ કે જે આપનાથી દુશ્મની રાખતા હતા, તે લોકોની દુશ્મનીના કારણે આપનું જીવન સખ્ત થઇ ગયું હતું. આ વિષે ખુદ કાઝી નુરુલ્લાહનું બયાન ધ્યાન આપવા લાયક છે કે ઓલમાએ એહલે સુન્નત તેમની જુની પરંપરા મુજબ હાકીમને (રાજાને) બીજાના વિરુદ્ધ બહેકાવતા અને તેમાં ખાસ કરીને શિઆ આલિમોની વિરુદ્ધ ઘણી સખ્ત રીતે હાકીમોને બહેકાવતા. આથી આપ ફરમાવતા કે અમુક એહલે સુન્નતની દરમિયાન રીવાજ હતો કે જયારે હદીસ અને મોઅજીઝનુમા વાતના મતલબની સામે આજીઝ અને લાજવાબ થઇ જતા.
أَلَمْ تَرَ إِلَى الَّذِيْ حَاجَّ إِبْرَاهِيْمَ فِي رَبِّهِ أَنْ آتَاهُ اللهُ الْمُلْكَ إِذْ قَالَ إِبْرَاهِيْمُ رَبِّيَ الَّذِيْ يُحْيِيْ وَيُمِيْتُ قَالَ أَنَا أُحْيِيْ وَأُمِيْتُ ۖ قَالَ إِبْرَاهِيْمُ فَإِنَّ اللهَ يَأْتِيْ بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَأْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِيْ كَفَرَ ۗ وَاللهُ لَا يَهْدِيْ الْقَوْمَ الظَّالِمِيْنَ
“(અય રસૂલ!) શું તમે (નમરુદ)ની સ્થિતિ ઉપર નજર નથી નાખી જેણે ઈબ્રાહીમ સાથે તેના પરવરદિગાર સબંધી દુરાગ્રહ કર્યો એટલા માટે કે તે (નમરુદને) અલ્લાહે સલ્તનત આપી હતી. જયારે ઈબ્રાહીમે કહ્યું કે મારો પરવરદિગાર તે છે જે જીવાડે છે અને મારે (પણ) છે (ત્યારે) તેણે કહ્યું કે હું પણ જીવાડુ છું અને માં છું, (પછી) ઈબ્રાહીમે કહ્યું કે નિસંશય અલ્લાહ સૂયર્ને પૂર્વ બાજુએથી ઉગાડે છે (તો) તું તેને પશ્ર્ચિમ બાજુએથી ઉગાડ, આથી તે નાસ્તિક ગૂંચવાડામાં પડયો અને અલ્લાહ ઝુલમગાર લોકોને માર્ગ દેખાડતો નથી.
(સુરએ બકરહ, આયત: 257)
અને જયારે હદીસ અને મોઅજીઝાના અર્થની સામે પોતાના જુઠ્ઠા દ્રષ્ટાંતો ખોટા સાબિત થતા ત્યારે દુશ્મનો જવાબ આપી શકતા ન હતા અને ઈલ્મની રોશનીમાં કોઈ પ્રશ્નનો ઉકેલ ન લાવી શકતા તો તલ્વાર, લાકડી અને કલમતરાશી વડે તેમનાથી વાદ-વિવાદ કરતા અને તેમાં પણ હારનો સામનો કરવો પડે તો તેના પર તોહમત લગાવતા અને હાકીમને તેના વિરુદ્ધ કાન ભંભેરણી કરતા અને આ કાર્યમાં પણ સફળ ન થાય તો તેના મૌતની તમન્ના કરતા.