કિતાબ ‘અલ વસીય્યહ’ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ

અબુ મુસા ઈસા અલ બજલી અઝઝરીર (વફાત 220 હી.સ.)

અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના વસી હોવા અંગેની કિતાબો ઘણા અગાઉના ઝમાનાથી લખવામાં આવી રહી છે. ‘કિતાબુલ વસીય્યહ’ અને ‘અલ વસીય્યહ’ જેવા નામોની કિતાબો ઈસ્લામી સંસ્કૃતિમાં અને ખાસ કરીને શીઆ સંસ્કૃતિમાં ઘણી વધારે જોવા મળે છે. આ તે વાતની દલીલ છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના વસી હોવાના અકીદાનું મુળ તમામ શીઆ સમાજોમાં કેન્દ્રસ્થાને છે અને ઐતિહાસિક ચળવળો અને રાજનૈતીક ફેરફારોની તેના ઉપર કોઈ અસર થઈ ન હતી.

જે કિતાબની ઓળખાણ અમે ‘આફતાબે વિલાયત’ના આ અંકમાં કરાવી રહ્યા છીએ તે પણ આજ વિષય ઉપર લખાયેલી એક પ્રાચીન કિતાબ છે કે જેનું નામ ‘કિતાબુ-અલ-વસીય્યહ’ અને તેના લેખક જનાબ ઈસા બિન મુસ્તફાદ બજલી છે. (અરબીમાં અલ મુસ્તફાદ અલ બજલી) કે જેઓને સાતમાં ઈમામ હઝરત મુસા કાઝીમ (અ.સ.)ના ખાસ સહાબીઓમાં ગણવામાં આવે છે.

આ કિતાબની મૂળ પ્રત હાલ પ્રાપ્ય નથી. પરંતુ આ કિતાબમાંથી હદીસો આપણી મોઅતબર કિતાબોમાં નકલ કરવામાં આવી છે. જેમકે સેકતુલ ઈસ્લામ કુલૈની (ર.અ.)ની મહામુલ્ય કિતાબ ‘અલ કાફી’, સૈયદ શરીફ રઝીની લખાયેલી ‘ખસાએસે અમીરૂલ મોઅમેનીન’, સૈયદ ઈબ્ને તાઉસની ‘તરાએફ’, અલી બિન યુનુસ બયાઝી આમેલીની ‘અસ સેરાત અલ મુસ્તકીમ’ વિ.

હવે 12 સદીઓ પછી, એક વર્તમાન સમયના સંશોધક જનાબ શૈખ કૈસ અત્તારે ઉપરોકત સ્ત્રોતોમાંથી 36 હદીસો લીધેલ અને ઉમદા કિતાબ ‘કાફી’ સાથે તેની સરખામણી કરી અને સંશોધન કરનારાઓ માટે તેને રજુ કરી છે. જનાબે અત્તારે એક વિગતવાર પ્રસ્તાવના લખી છે કે જેમાં આપે આ કિતાબ અને તેના લેખક બાબતે રેજાલના આલીમોના મંતવ્યોને રજુ કર્યા છે અને તેનું પૃથ્થકરણ કર્યું છે.

આ પ્રસ્તાવના પછી તેમણે કિતાબુલ વસીય્યહમાં 36 હદીસો વર્ણવી છે. જેમકે અમે વર્ણવી ચુકયા છીએ કે માનનીય સંશોધકે આ હદીસોને પ્રાપ્ત કરવા માટે છ કિતાબો ઉપર ભરોસો કર્યો છે. તે કિતાબોના નામો આ મુજબ છે.

1) ‘મિસ્બાહુલ અન્વાર’ (જે હજુ સુધી છપાણી નથી, આથી તેની હાથે લખાયેલી ત્રણ પ્રતો કે જેનું લેખકે અવલોકન કર્યું હતું. તેની વિશિષ્ટતાઓ પ્રસ્તાવનામાં વર્ણવવામાં આવી છે.)

2) કિતાબે તર્ફ: જે વર્તમાનમાંજ આજ સંશોધકની મહેનતોથી લોકોની નજર સમક્ષ આવી છે અને તેની છ પ્રતોની ખાસિયતોનું વર્ણન કરવામાં આવ્યું છે.

3) બાકીની 4 કિતાબો કાફી, ખસાએસ, ઈસ્બાતુલ વસીય્યહ અને અસ સેરાત અલ મુસ્તકીમની છપાયેલી પ્રતો ઉપર ભરોસો કરવામાં આવ્યો છે.

અહીં તે વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે 12 મી સદીના ખુબજ પ્રખ્યાત મોહદ્દીસ મરહુમ સૈયદ હાશીમ બહેરાની એ પોતાની કિતાબ ‘અત્તોહફતુલ બહીય્યતો ફી ઈસ્બાતિલ વસીય્યહ’ માં કિતાબે તર્ફ માંથી 21 હદીસો વર્ણવી છે કે જેમાંથી 20 હદીસો ઈસા બિન મુસ્તફાદની કિતાબમાંથી વર્ણવવામાં આવી છે અને આ કિતાબ તરફ પણ તેઓ રજુ થયા છે. રસપ્રદ વાત એ છે કે આ કિતાબમાં દરેક અરબી લખાણ ઉપર એઅરાબ લગાવવામાં આવ્યા છે અને દરેક હદીસ હેઠળ અલગ-અલગ પ્રતોમાં જોવા મળતો તફાવત અને હદીસના સ્ત્રોતનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.

આવો આપણે આ ખુબજ મહત્ત્વની અને બહુમુલ્ય કિતાબની અમુક હદીસો ઉપર ઉડતી નજર નાખીએ જેથી તેના વિષયોથી ફાયદો પ્રાપ્ત કરી શકાય.

1) ઈસા બિન મુસ્તફાદ એ ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ને અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને ઉમ્મુલ મોઅમેનીન મોહસીનાએ ઈસ્લામ હઝરત ખદીજા (સ.અ.)ના ઈસ્લામ લાવવાની પરિસ્થિતિ અને શરતો બાબતે સવાલ કર્યો. ઈમામ કાઝીમ (અ.સ.) એ તેનો જવાબ પોતાના માનનીય પિતાની રિવાયત વડે આપ્યો. આ પવિત્ર હદીસમાં તૌહીદ, નબુવ્વત અને મઆદ ઉપર 12 મુદ્દાઓ, એહકામ અને અખ્લાક બાબતે 16 મુદ્દાઓ, ઈમામત, તવલ્લા અને તબર્રા ઉપર 10 મુદ્દાઓ છે. ત્યાં સુધી કે તેમાં એ બાબતો પણ મૌજુદ છે કે જે હજુ સુધી બની નથી અને તે કે પવિત્ર પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ હઝરત ખદીજા (સ.અ.) પાસેથી અહદ અને વાયદો લીધો હતો કે તેઓ વિલાયતે અલી (અ.સ.)નો સ્વિકાર કરશે.

2) મદીનએ મુનવ્વરા હિજરત કર્યા પછી અને જંગે બદ્ર માટે નિકળતી વખતે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ મુસલમાનો પાસેથી બયઅત લીધી, તે સમયે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને એકાંતમાં અમુક વાતોનું વર્ણન કર્યું અને આપ (અ.સ.) પાસેથી તે વાયદો લીધો કે તે બાબતોને છુપી રાખશે. ત્યાર બાદ બીજી એક બેઠકમાં હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.), જનાબે ઝહરા (સ.અ.) અને જનાબે હમ્ઝા (અ.સ.)ને બોલાવ્યા અને તે બન્નેને વિનંતી કરી કે તેઓ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના હાથો ઉપર બયઅત કરે અને ત્યારે આ આયતે કરીમા નાઝીલ થઈ. ‘યદુલ્લાહે ફવ્ક અયદીહીમ.’

(સુરએ ફત્હ, 10)

બીજા ભાગમાં ચાલુ રાખ્યું………

ગો ટૂ ટોચ