હદીસે ગદીર ઉપર ઈબ્ને તૈમીય્યાના વાંધાઓ અને તેના જવાબ

વાંચવાનો સમય: 4 મિનિટ

૧૮ મી ઝિલ્હજ્જ હી.સ. ૧૦ માં ખુદાવંદે આલમના હુકમ ઉપર અમલ કરતા રસુલે ઈસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)એ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયતનું જાહેરી એઅલાન ફરમાવ્યું. આ એઅલાનના આધારે તમામ મુસલમાનો ઉપર હઝરત અલી (અ.સ.)ની વિલાયત જરૂરી ઠેરવવામાં આવી. આ મશ્હુર એતિહાસીક પ્રસંગને ઘણા બધા હદીસવેત્તાઓ, ઈતિહાસકારો, શાએરો અને સાહિત્યકારોએ પોત પોતાની કિતાબોમાં હદીસે ગદીરના નામથી નોંધ કરી છે.

આ હદીસને એકસો (૧૦૦)થી પણ વધારે સહાબા અને સ્ત્રી સઢાબીઓએ નોંધી છે. શીઆ અને સુન્ની બન્ને ફિર્કાના બુઝુર્ગ સંશોધનકારો અને હદીસવેત્તાઓએ આ હદીસ મોતવતીર અને મુસ્તનદ હોવાની મોહર લગાવી છે. ઈસ્લામી હદીસોની કિતાબોમાં હદીસે ગદીર જેટલી ભરોસાપાત્ર અને મોતવાતીર હદીસ જેવી ભાગ્યે જ કોઈ બીજી હદીસ જોવા મળતી હશે.

પરંતુ તેમ છતાં અમુક “નાસેબી’ વિચારધારા ધરાવનારા લોકો એહલેબૈત (અ.મુ.સ.)થી બુગ્ઝના કારણે આ હદીસ ઉપર વાંધાઓ અને વિરોધો ઉઠાવતા રહે છે. આ લેખમાં વાંચકો માટે એ જણાવી દેવું જરૂરી જાણીએ છીએ કે ખુદ એહલે સુન્નતને ત્યાં “’નાસેબી’ કોને કહેવામાં આવ્યો છે અને એવા શખ્સનો અંજામ શું બયાન કરવામાં આવ્યો છે. “નાસેબી’ એટલે કોણ એ બયાન કરતા એહલે સુન્નતના મશ્હુર આલીમ ઈબ્ને હજરે અસ્કલાની લખે છે કેઃ

‘નાસેબી’ તે છે કે જે પોતાના દિલમાં અલી (અ.સ.)થી બુગ્ઝ રાખે અને બીજા કોઈને તેમની (અલી અ.સ.) ઉપર અગ્રતા આપે.[1]

એવા શખ્સના અંજામ સંબંધિત સરવરે કાએનાત (સ.અ.વ.)ની આ હદીસ પણ ધ્યાન આપવા લાયક છે કે જેમાં આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

‘અગર કોઈ શખ્સ રૂકન અને મકામની દરમ્યાન નમાઝ માટે ઉભો હોય અને તે એ જ હાલતમાં આ દુનિયાથી ચાલ્યો જાય પરંતુ તે મારા એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલતો સંબંધિત થોડી પણ એબ અથવા તો ખામી શોધવાની કોશિશ કરતો હોય તો અલ્લાહ તઆલા તેને જહન્નમની આગમાં નાખી દેશે.’[2]

‘નાસેબી’ના આ ટૂંકા પરિચયથી ખુબ જ સારી રીતે એ અંદાજો લગાવી શકાય છે કે નાસેબી વિચારધારા ધરાવનારા લોકોની ઈસ્લામમાં કોઈ હૈસિયત બાકી રહેતી નથી અને તઅસ્સુબ (હઠાગ્રહ) ધરાવનારા આલીમોમાં એક મશ્હુર નામ ઈબ્ને તૈમીય્યાનું પણ છે. તે પહેલા કે ઈબ્ને તૈમીય્યાના વાંધાઓ ઉપર ચર્ચા કરવામાં આવે એ યોગ્ય ગણાશે કે સૌ પ્રથમ તેની નાસેબી વિચારધારાને ઉજાગર કરવામાં આવે કે જેથી વાંચકો તેના વાંધા અને વિરોધોની બુનિયાદને સમજી શકે.

  • ઈબ્ને તૈમીય્યાએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ફઝીલતોનો ઈન્કાર કર્યો છે અને તે હદીસને જુઠલાવી છે કે જેની ઉપર તમામ હદીસવેત્તાઓ એકમત છે.[3]
  • ઈબ્ને તૈમીય્યાએ હઝરત અલી (અ.સ.)ની શાનમાં ગુસ્તાખી કરી છે.[4]
  • અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના જેહાદ અને જંગોમાં કુરબાની અને ફિદાકારીની મજાક ઉડાવી છે. [5]
  • ઈબ્ને તૈમીય્યાએ અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના ખિલાફતના ઝમાનાને શકના દાયરામાં દર્શાવ્યુ છે. [6]
  • તેણે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના કાતિલ ઈબ્ને મુલ્જીમ (લ.અ.)નો બચાવ કર્યો છે. [7]
  • તેણે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના દુશ્મનો અને ખવારીજના વખાણ કર્યા છે. [8]

આ ઉપરાંત પણ ઈબ્ને તૈમીય્યાએ ઘણી બધી બકવાસ અને અપમાનજનક વાતો કરી છે કે તેનાથી તેના નાસેબી અકીદા અને વિચારધારાનો અંદાજ લગાવી શકાય છે. ઈબ્ને તૈમીય્યાનું ઉદાહરણ એવા વ્યક્તિ જેવુ છે કે જેને એહલેબૈત (અ.મુ.સ.)ના બુગ્ઝે એટલી હદે આંધળો કરી દીધો કે તેની અકલ અને સમજશક્તિ ખતમ થઈ ગઈ. આજ કારણ હતું કે અલ્લામા હિલ્લી (અ.ર.)એ તેના વાંધાઓ અને વિરોધોનો જવાબ આપવાનું પણ યોગ્ય ન જાણ્યું. જ્યારે કે અલ્લામા અમીની (અ.ર.)એ ઈબ્ને તૈમીય્યાની કિતાબનું નામ “મિન્હાજુસ્સુન્નહ’ની બદલે મિન્હાજુલ બિદઅત’ વધારે યોગ્ય ઠેરવ્યું છે.[9] આ વ્યક્તિએ તેવી હદીસો ઉપર પણ આંગળી ચીંધી છે કે જેને એહલે સુન્નતના બુઝુર્ગ આલીમોએ પણ મોઅતબર ગણી છે. એટલા માટે ઈબ્ને તૈમીય્યાના વિરોધોની કોઈ ઈલ્મી હૈસિયત નથી બલ્કે તેના વિરોધો તેના નજીસ અસ્તિત્વને સાબિત કરે છે.

પોતાની કિતાબમાં ઈબ્ને તૈમીય્યા એક જગ્યાએ લખે છે કેઃ

હદીસે ગદીરમાં મૌજુદ જુમલાઓઃ

اَللّٰہُمَّ  وَالِ  مَنْ  وَالَاہُ،  وَ عَادِ  مَنْ  عَادَاہُ       وَ انْصُرْ  مَنْ  نَصَرَہٗ  وَ اخْذُلْ  مَنْ  خَذَلَہٗ

હદીસનું ઈલ્મ રાખનારાઓની નઝદીક આ ખોટુ છે.[10] ઈબ્ને તૈમીય્યાના આ વાકયનો અર્થ એમ છે કે તેના સંશોધન મુજબ જો કે હદીસે ગદીરને સહીહ માની લેવામાં આવે તો પણ હદીસે ગદીરમાં આવેલા આ જુમ્લાઓ કે ‘અય અલ્લાહ! તું તેને દોસ્ત રાખ જે અલી (અ.સ.)ને વલી માને અને તેને દુશ્મન રાખ કે જે અલી (અ.સ.)ને દુશ્મન રાખે. તેની મદદ કર કે જે અલી (અ.સ.)ની મદદ કરે અને તેને છોડી દે કે જે અલી (અ.સ.)ને છોડી દે.’ હદીસવેત્તાઓની નઝદીક આ એક ખોટી વાત છે. એટલે કે રસુલે અકરમ (સ.અ.વ.)એ આ પ્રકારના જુમ્લાઓ ઈરશાદ ફરમાવ્યા નથી. જ્યારે કે હકીકત તેનાથી ઉલ્ટી છે. સાચી વાત તો એ છે કે એહલે સુન્નતના અસંખ્ય ભરોસાપાત્ર અને સનદ ધરાવનારા હદીસવેત્તાઓએ ગદીરની

હદીસના આ જુમ્લાઓને પોત પોતાની રીતે નોંધ કરેલા છે. તેમાંથી અમુકના નામો આ પ્રમાણે છેઃ

  • એહમદ ઈબ્ને હમ્બલ (મુસ્નદે એહમદ, ભા. ૧, પા. ૧૧૮, ૧૧૯ અને ૧૫૬)
  • નેસાઈ (સોનને નેસાઈ ભા. પ, પા. ૧૩ર, ૧૩૪, ૧૩૬ અને ૧૫૪)
  • ઈબ્ને અબી શૈબા (અલ મુસન્નીફ, ભા. ૬, પા. ૩૬૬ અને ૩૬૮)
  • ઈબ્ને હબ્બાન (સહીહ ઈબ્ને હબ્બાન, ભા. ૧૫, પા. ૩૭૬)
  • તબરાની (અલ મોઅજમુલ કબીર ભા. પ, પા. ૧૬૬, અલ મોઅજમુસ્સગીર, ભા. ૧, પા. ૧૧૯)
  • બઝાર (મુસ્નદે બઝાર, ભા. ૬, પા. ૧૩૩ અને ર૩૫, ભા. ૩, પા. ૩૫)
  • ઝિયાઅ મુકદ્સી (અલ મુખ્તારહ, ભા. ર, પા. ૧૦૫ અને ૧૦૬)
  • હાકીમ નેશાપુરી (મુસ્તદરકે હાકીમ, ભા. ૩, પા. ૧૧૮)
  • ઈબ્ને અબી આસીમ (અસ્સુન્નહ, ભા. ર, પા. ૫૬૬)
  • ઈબ્ને માજા (સોનને ઈબ્ને માજા, ભા. ૧, પા. ૪૫) વિગેરે

આથી ઈબ્ને તૈમીય્યાનો આ દાવો ખોટો છે.

એટલુ જ નહિ બલ્કે એહલે સુન્નતના બીજા આલીમોએ પણ ઈબ્ને તૈમીય્યાના આ દાવાને રદ્દ કર્યો છે. શૈખ નાસેરૂદ્ઠીન અલ્બાની જો કે સલફીઓ અને વહાબીઓમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે તેમણે ઈબ્ને તૈમીય્યાના આ વિરોધને રદ્દ કર્યો છે. શૈખ અલ્બાની એ “હદીસે ગદીર’ સાચી હોવાનું કબુલ કર્યું છે અને ઈબ્ને તૈમીય્યાની વાતને રદ કરી છે. આથી અલ્બાનીએ પોતાની કિતાબ ‘સિલસિલએ અહાદીસ્સુસ સહીહ’માં હદીસે ગદીર સંબંધિત આ પ્રમાણે લખ્યુ છેઃ

જ્યારે મેં શૈખુલ ઈસ્લામ ઈબ્ને તૈમીય્યાને જોયા કે તેમણે આ હદીસ (ગદીર)ના પહેલા ભાગને ઝઈફ કહ્યો છે અને બીજા ભાગને ખોટો કહ્યો છે તો મેં આ હદીસના બચાવમાં લખવામાં જરૂરી જાણ્યું છે. મારા સંશોધન મુજબ ઈબ્ને તૈમીય્યાનું હદથી વધી જવુ મુબાલેગા છે કે તેઓ અમુક હદીસોને ખોટી ઠેરવવામાં ખુબ જ ઉતાવળથી કામ લ્યે છે અને સંપૂર્ણ રીતે હદીસોની ઉલટ તપાસ કરતા નથી. આ ઉતાવળના કારણે હદીસના રસ્તાને જમા કરનાર અને તેની ઉપર ચિંતન મનન કર્યા પહેલા જ તેઓએ આ ફેંસલો કરી નાખ્યો છે.[11]

સલફી આલીમ અલ્બાનીની આ કબુલાત પછી ઈબ્ને તૈમીય્યાના આ વાંધાઓની કોઈ હૈસિયત બાકી રહેતી નથી. જેમકે અમે અગાઉ વર્ણવી ચુકયા છીએ કે ઈબ્ને તૈમીય્યાના વિરોધો અને વાંધાઓ એટલી હદે બેહુદા અને બકવાસ હોય છે કે શીઆ આલીમો તેને જવાબ આપવાને પણ લાયક સમજતા નથી અને ખુદ ઈબ્ને તૈમીય્યાના એક મુરીદ આલીમ પણ તેનો બચાવ કરી શકતા નથી. બલ્કે તેણે આ વિરોધો ઉતાવળમાં કરેલા ફેંસલા તરીકે કરાર દે છે.

[1] હદીઉસ્સારી ફત્હુલ બારીની પ્રસ્‍તાવના, ભા. ૧, પા. ૪૫૯

[2] અલ મુસ્તદરક, હાકીમ નેશાપુરી, ભા. ૩, પા. ૧૬૧

[3] મિન્હાજુસ્સુન્નહ, ભા. ૧, પા. ર૪૮

[4] મિન્હાજુસ્સુન્નહ, ભા. ૮, પા. ૨૯૧

[5] મિન્હાજુસ્સુન્નહ, ભા. ૪, પા. ૯૯

[6] મિન્હાજુસ્સુન્નહ, ભા. ૪, પા. ૪૯૬

[7] મિન્હાજુસ્સુન્નહ, ભા. ૫, પા. ૪૭

[8] કુતુબ વ રસાએલે ઈબ્ને તૈમીય્યા, ભા. ર૮, પા. ૪૮૪

[9] અલ ગદીર, ભા. ૩, પા. ૧૪૭

[10] મિન્હાજુસ્સુન્નહ, ભા. ૭, પા. ૫૫

[11] સિલસિલએ અલ અહાદીસ્સુસ સહીહ, ભા. ૪, પા. ૩૪૪, પ્રકાશન અલ રિયાઝ

ગો ટૂ ટોચ